મોરબી જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષાની તૈયારીનો ધમધમાટ શરૂ

- 91 બિલ્ડીંગના 883 બ્લોકમાં મોરબી જિલ્લાના ઘો.10-12ના 25869 વિધાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા : તમામ સ્થળે સીસીટીવી દ્વારા મોનીટરીંગ થશે
મોરબી : શિક્ષણ ક્ષેત્રે મહત્વની ટર્નીગ પોઇન્ટ સાબિત થતી ધો.10 -12ની બોર્ડની પરીક્ષાનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આગામી તા.5 માર્ચે શરૂ થઈ રહેલી ધો 10 -12ની બોર્ડની પરીક્ષા સંદભે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા સાથે પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ખાસ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જ્યારે મોરબી જિલ્લાના ઘો.10-12ના 25869 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. કુલ 91 બિલ્ડીંગના 883 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. તેમજ તમામ સ્થળે સીસીટીવીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ધો.10-12 પરીક્ષાના ઝોનલ અધિકારીઓની નિમણુંક કરાઈ ચુકી છે.
મોરબી જિલ્લામાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ધો.10-12ની બોર્ડની પરીક્ષાના આયોજનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં આગામી તા.5 માર્ચથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. આ પરીક્ષાની તૈયારીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ મીટીંગોનો દૌર ચાલી રહ્યો છે. જિલ્લા કલેકટર સાથે બોર્ડની પરીક્ષા અંગે વીડિયો કોન્ફ્રન્સ કરવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં સઘન ચેકિંગ માટે પાંચ સ્કવોર્ડની બોર્ડ સમક્ષ માંગણી કરવામાં આવી છે.
જ્યારે નિયમ પ્રમાણે 300થી ઓછા એટલે કે 137 વિધાર્થીઓ હોવાને કારણે માળીયાના વવાણીયા કેન્દ્રને રદ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રને પીપીળિયા કેન્દ્રમાં સમાવેશ કરાયો છે. આ વખતે એકપણ સંવેદનશીલ કેન્દ્ર નથી. પરીક્ષા ચાલુ ન હોય તેવા વર્ગખંડોને બંધ કરી દેવાશે. તમામ સ્કૂલમાં હાલ કઈ કઈ સુવિધાઓ ઉઓલબદ્ધ છે અને કઈ કઈ સુવિધાઓ ખૂટે છે તે અંગે ચકાસણી ચાલી રહી છે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.
તા.26ના રોજ પરીક્ષાના સ્થળ સંચાલકો સાથે બેઠક ગોઠવવામાં આવી છે. તેમજ સંલગ્ન અધિકારીઓ સાથે પણ આગામી દિવસોમાં બેઠક કરાશે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે બોર્ડ દ્વારા ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે. પેપર આવ્યા બાદ વિધાર્થીઓ સુધી પહોંચે એ દરમ્યાન રિકવરી કરતા ઝોનલ અધિકારીઓને અને સ્થળ સંચાલકને ફોટા પાડી અપલોડ કરવાના રહેશે. જ્યારે ધો.10 માટે 600થી વધુ અને ધો.12 માટે 400થી વધુનો સ્ટાફ પરીક્ષાલક્ષી કામગીરીમાં જોડાશે.
જ્યારે ધો.10 અને 12માં કુલ 91 બિલ્ડીંગના 883 બ્લોકમાં ધો.10ના 15629 અને ધો.12ના સામાન્ય પ્રવાહના 7966 તેંમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહના 2274 વિધાર્થીઓ પરીક્ષા આપશે. ધો.10 માટે મોરબી, વાંકાનેર, ટંકારા, જેતપર, સિંધાવદર, હળવદ, ચંદ્રપુર , ચરાડવા અને પીપળીયા એમ 9 પરીક્ષા કેન્દ્ર અને ધો.12 સામાન્ય પ્રવાહમાં મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારા એમ ચાર કેન્દ્ર તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહ માટે મોરબી, વાંકાનેર અને હળવદ એમ ત્રણ કેન્દ્ર રખાયા છે. ધો.10 માટે જે.યુ.મેરજા અને ધો.12 માટે બી.એમ ભાલોડિયાની ઝોનલ અધિકારી તરીકે નિમણુંક કરાઈ છે અને ઝોનલ.કચેરી મોરબીની બોયઝ હાઇસ્કુલ રહેશે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી