મોરબી : સાસરા અને પિયર પક્ષ તરફથી તરછોડાયેલી સગર્ભાની મદદ કરતી 181 અભયમ ટીમ

ગત તા. 22ના રોજ અજાણ્યા વ્યક્તિને 181 અભયમમાં કોલ આવેલ કે એક મહિલા વાંકાનેરના જકાત નાકા પાસે નિ:હાલતમાં મળી આવેલ છે. તે ખુબ ટેન્સનમાં હોય તેવું લાગે છે. આ બાબતની જાણ થતા અભયમ ટીમ તાત્કાલિક તે સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા તે મહિલાની પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે તે મહિલાને 4 માસનો ગર્ભ છે તેમજ તેની સાથે દોઢ વર્ષનું બાળક પણ છે. તેઓનું સાસરું સુરેન્દ્રનગર જિલ્લામાં છે. મહિલાના સાસુ અને પતિ દ્વારા તેઓને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. આ અંગેની જાણ મહિલાએ તેના પિતાને કરી હતી પરંતુ તેના પિતાએ તેમને સહાય કરી નહિ. તેથી, મહિલા હતાશ થઈને આપઘાત કરવાનું વિચારતા હતા.
આ સમગ્ર ઘટના જાણી અભયમ ટીમએ મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. બાદમાં મહિલાને પિયરમાં જવાની ઈચ્છા હોવાથી તેણી પાસેથી તેના પિતાનો કોન્ટેક્ટ નંબર લઇ પિતાને બોલાવવામાં આવ્યા હતા. તેમજ મહિલાને સાસરા પક્ષ તરફથી હેરાનગતિ થતી હોવાથી યોગ્ય ન્યાય મળે તે માટે આગળ કાર્યવાહી કરવા સમજાવ્યા હતા. પરંતુ ભોગ બનનાર મહિલા અને તેના પિતાએ કોઈ કાર્યવાહી કરવાની ના પાડી હતી. આમ, સાસરા અને પિયર પક્ષ તરફથી તરછોડાયેલી સગર્ભાને 181 અભયમ ટીમ કાઉન્સેલર ભટ્ટી પિંકી, કોન્સ્ટેબલ ભાવિકાબેન તથા પાઇલોટ વિશાલભાઈ દ્વારા સહી-સલામત પિયર પહોંચાડવામાં આવી હતી.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી