કડીના મેડાઆદરજ ગામમાં તસ્કરોએ ખેડૂતના ઘરમાંથી કરી ચોરી

- કડી ના મેડા આદરજ ગામનો ખેડૂત રવિવાર રાત્રીના ખેતરમાં પિયત કરવા ગયો અને તસ્કરોએ તેના ઘરમાંથી કિંમતી દાગીના અને રોકડ ચોરી ગયા હતા.
મેડા આદરજ ગામના ખેડૂતની પત્નીએ બાવલું પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર રવીવારના રોજ તેના પતિ યાસીનભાઈ હુસેનભાઈ પઠાણ ખેતરમાં પાણી વાળવા ખેતર ગયા હતા અને તેણી તેમના માતા સાથે મકાનના ઉપરના માળે સુવા ગયા હતા. સવારના છ વાગે ફરિયાદી જાગીને નીચેના માળે આવ્યા ત્યારે તેમણે મકાનના નિચેલા માળના બંને રૂમનું તાળું તૂટેલી હાલતમાં જોઈ હતપ્રભ બની ગયા હતા ત્યારે બાદ તેઓએ અંદર તપાસ કરતા રોકડ અને કિંમતી દાગીના રાખેલું લાકડાના કબાટનું પણ તાળું તોડી તેમાંનો સામાન વેર વિખેર હાલતમાં પડેલો હતો.
જેથી તેમણે ખેતરથી પાણી વાળી ઘરે ઉપરના માળે સુતેલ પતિને જગાડયા તેમજ આજુબાજુના રહીશોને તેમના ઘરમાં ચોરી થયી હોવાની જાણ કરી હતી.તસ્કરોએ રાત્રીના સમયે તક નો લાભ લઇ ખેડૂતે ડાંગરનું વેચાણ કરેલ જેની રોકડ રકમ 25,000/- તથા સોનાની ચેઇન તેમજ બીજા સોના-ચાંદીના દાગીના મળી આશરે કુલ રૂ 98,300/- ની ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. ખેડૂતે તાત્કાલિક બાવલું પોલીસને જાણ કરી હતી. જેથી બાવલું પોલીસે ઘટના સ્થળે તપાસ કરી તસ્કરો ને પકડવા ગતિ વિધિઓ તેજ કરી હતી.