જેલમાં કેદીના આંતરવસ્ત્રમાંથી મોબાઇલ અને તમાકુ મળી આવતા ચકચાર મચી

રાજકોટ,
રાજકોટની મધ્યસ્થ જેલમાં અવારનવાર કોઇ દડા બનાવી મોબાઇલ ફોન, તમાકુના પડીકા, પાન મસાલા, ચાર્જર સહિતની ચીજવસ્તુઓના ઘા કરી જાય છે. અગાઉ આવુ કૃત્ય કરનાર એક શખ્સ ઝડપાયો હતો. ત્યાં હવે જેલમાં કેદીઓની જડતી દરમિયાન એક પાકા કામના કેદી યાકુબખાન કાળુખાન પઠાણના પેન્ટના ખિસ્સામાંથી થોડી છૂટક તમાકુ અને આંતરવસ્ત્રમાં છૂપાવેલો મોબાઇલ ફોન મળી આવ્યો છે. આ મામલે કેદી વિરૂદ્ધ ફોજદારી દાખલ કરાવવામાં આવી છે. જે કેદી પાસેથી મોબાઇલ મળ્યો છે તે સુરેન્દ્રનગર તરફનો છે.
આ અંગે રાજકોટ મધ્યસ્થ જેલના ગ્રુપ-૨ જેલર વી. કે. હેરભાએ પાકા કામના કેદી યાકુબખાન કાળુખાન પઠાણ વિરૂદ્ધ પ્રિઝન એક્ટની કલમ ૪૨, ૪૩, ૪૫ની પેટા કલમ ૧૫ મુજબ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેલર હેરભાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૬ ફેબ્રુઆરીના રોજ મારી ડ્યુટી જેલર તરીકેની હતી. બપોરે સાડા ત્રણેક વાગ્યે નવી જેલ-૦૧ યાર્ડ નં. ૩ની બેરેક નં. ૩ની બહારના ભાગે સીડી પાસે પાકા કામનો કેદી (નં. ૪૨૪૪૧) યાકુબખાન કાળુખાન પઠાણની ફરજ પરના અમલદાર મનોજભાઇ જયંતિલાલ લખતરીયા જીણવટભરી અંગ જડતી કરતાં હોય કેદીના પેન્ટના ખિસ્સામાંથી થોડી છૂટી તમાકુ મળી આવી હતી. આ પછી વધુ તપાસ કરવામાં આવતાં તેણે પહેરેલા આંતરવસ્ત્રમાં છૂપાવેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ ફોન કેચાઓડા કંપનીનો એ-૨૬ સિરીઝનો કાળા રંગનો હતો અને તેમાં બેટરી પણ હતી. સીમકાર્ડ નહોતું.