હજુ નિર્ણય લીધો નથી, યોગ્ય સમયે નિર્ણય લઈશ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

(જી.એન.એસ.) ગાંધીનગર,
રવિવારે વિશ્વ ઉમિયાધામના મા ઉમિયાના મંદિરના શિલાન્યાસ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) આપેલું નિવેદન ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. આ મામલે તેમણે ખુલાસો કરીને કહ્યું હતું કે, એકલો પડી ગયો છું વિવાદમાં મીડિયાએ આગળનો અને પાછળનો ભાગ કાઢીને વચ્ચેનું ચલાવ્યું છે. વિચારું છું કે મીડિયા સમક્ષ ચોખવટ કરી કે નહિ. હજુ નિર્ણય લીધો નથી, યોગ્ય સમયે નિર્ણય લઈશ.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ‘હું એકલો પડી ગયો છું…’ એ પ્રકારના ઊભા થયેલા નિવેદનના વિવાદ પર ગૃહમાં ચર્ચા થઈ હતી.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે ચોખવટ કરી કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એકલા નથી. તેમની સાથે સમગ્ર મંત્રીમંડળ છે. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષના લોકોએ ખુશ થવાની કોઈ જરૂરિયાત નથી. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ ચોખવટ કરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સિંહફાળો પક્ષમાં અને સરકારમાં છે. જોકે ભૂપેન્દ્રસિંહ અને વાઘાણીએ તો ચોખવટ કરી પરંતુ નિતીનભાઇ આ મુદ્દે કાંઇ બોલવા તૈયાર નથી, તેમણે તો ફક્ત એટલું જ કહ્યું કે ચોખવટ કરવી કે નહીં તેનો હજુ નિર્ણય લીધો નથી. એનો મતલબ શું સમજવો….?
મા ઉમિયા મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, જ્યાં પહોંચ્યો છું ત્યાં એમને એમ અહીં નથી પહોંચાતું. તમે ટીવીમાં જોતા જ હશો, છાપામાં જોતા જ હશો. પૂછો અમારા ધારાસભ્યોને… એક બાજુ બધા ને, એક બાજુ હું એકલો. એ ઉમિયા માતાના આશીર્વાદ છે. આ લોહી બોલે છે, તમારા બધાના સહયોગથી બોલું છું. પક્ષના કાર્યકર તરીકે બોલું છું. મને માતાજીના એટલા આશીર્વાદ છે કે, બધી જગ્યાએ મને યાદ આવવાનું યાદ આવી જ જાય છે. બીજા લોકોને ઘણાને નથીયે ગમતું, કે ભૂલાવવા મથીએ છીએ, પણ નીતિનભાઈ ભૂલતા નથી.