કાપડીની દુકાનનું શટર ઊંચુ કરી ૪ લાખ ચોરી કરી તસ્કર ફરાર

સુરત,
રીંગરોડ વિસ્તારમાં આવેલી આરકેટી નામની કાપડ માર્કેટમાં ચોરી થયાનો સીસીટીવી સામે આવ્યો છે. સવારે ૮.૪૦ વાગે ચોર દુકાનમાં શટર ઊંચુ કરીને પ્રવેશી ચોરી કરી નાસી ગયો હતો.કાપડની દુકાનમાંથી અજાણ્યા ચોર ઈસમે રૂપિયા ૪ લાખની ચોરી કરીને ભાગી ગયો હોવાનું સામે આવતાં વેપારીએ સીસીટીવી ચેક કર્યાં હતાં. આરકેટી માર્કેટની દુકાન નંબર ૧૨૭૧ – ૭૨માંથી સમગ્ર ચોરી થઈ હતી. ચોરી કરીને નાસી જતો તસ્કર સીસીટીવીમાં કેદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરકેટી માર્કેટના મહાદેવ ટેક્ષમાં ચોરી થઈ હતી. ચોરી કરનાર યુવક દુકાનથી પરિચીત હોય તેને માલૂમ હોય કે દુકાનમાં ચાર લાખની રોકડ છે. જેથી આ જાણભેદુ તસ્કરે ચોરી કરી હોય તે દિશામાં પોલીસે તપાસ આદરી છે. મહાદેવ ટેક્ષના માલિક કપિલ તાવડેએ જણાવ્યું હતું કે,માર્કેટના સિક્્યુરિટી ગાર્ડના જવાબ લેવાઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં આ ત્રીજી ચોરી થઈ છે. હાલ સીસીટીવીમાં દેખાતા યુવકની ઓળખ માટે અન્ય વેપારીઓ અને લોકોની મદદ લેવામાં આવી રહી છે.