સરકારી કોલેજ થરાદ ખાતે વિદાયની સાથે કોલેજને ઉડતા પંખી સાથે સરખામણી કરતો ઉડાન મહોત્સવ

સરકારી વિનિયન અને વાણિજય કોલેજ થરાદ ખાતે બુધવારના રોજ 9 થી 1 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ટી.વાય. બી.એ. અને બી.કોમ.ના વિધાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થતાં વિદાય સમારોહ તેમજ સરકારી કોલેજને 10 વર્ષ પૂર્ણ થઈ જતાં દશાબ્દી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, દશાબ્દી મહોત્સવના કાર્યક્રમને ઉડાન 2020 તરીકે દર્શાવી કોલેજને ઉડતા પંખી સાથે સરખામણી કરી હતી. ઉડાન તેમજ વિદાય સમારોહના ભવ્ય કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.
અને કોલેજમાં વર્ષ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કે કાર્યને પાર પાડી પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને કોલેજ પરિવારે મેડલ સહિત પ્રમાણપત્ર એનાયત કરી ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં પ્રેક્ષક વિધાર્થી ભાઈ બહેનોએ આનંદની લાગણીથી કિકીયારી કરી મૂકતાં સમગ્ર વાતાવરણ ઉત્સાહના જનૂનમાં ફેરવી મનોરંજન પૂરું પાડ્યું હતું, કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી થયા બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સુંદર રીતે પ્રદર્શન કરાયું હતું.
જેમાં વૃક્ષોનું જતન કરવાનો સંદેશો આપતું નાટક વિધાર્થી ભાઈ બહેનોએ રજૂ કર્યા બાદ ગરબો તેમજ વિદાય લેતાં વિધાર્થીઓએ કોલેજ સમય દરમિયાન કરેલ પ્રવૃત્તિઓ અને શિક્ષણ દ્વારા પ્રાપ્ત થયેલ ગુણોની યાદને તાજી કરી કોલેજ પરિવારનો વિધાર્થીઓએ આભાર માન્યો હતો. વિદાય લેતાં વિધાર્થીઓને પણ કોલેજ પરિવારે ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી ભારે હૈયે તેમજ આશિર્વાદરૂપ વિદાય આપી હતી. આ કાર્યક્રમનું આયોજન સમગ્ર કોલેજ પરિવાર તેમજ વિધાર્થીઓના સંયુક્ત સહકારથી કાર્ય સાર્થક નિવડ્યું હતું અને આમંત્રિત મહેમાનો પણ દબદબાભેર સ્વાગત કરી આવકાર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન પ્રોફેસર જોરાભાઈ દેસાઈએ તેમજ અંતમાં કાર્યક્રમમાં સહભાગી બની કાર્યને સફળ બનાવવા બદલ ડૉકટર મન્સુરીએ આમંત્રિત મહેમાનો, આયોજકો, દાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત વર્તમાનમાં સરકારી કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઈ બહેનોનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી, તેમજ સ્વાદિષ્ટ ભોજનની પણ વ્યવસ્થા સાથે કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો, આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ, થરાદ પીઆઈ, થરાદ ધારાસભ્ય, બનાસ બેન્કના ડિરેક્ટર, દાતાઓ, મહેમાનો, કોલેજના ભૂતપૂર્વ અધ્યાપકો સહિત તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ