કડી સાહિત્ય રત્ન સમાન વિરલ પ્રતિભા અંતમાં આથમી ગઈ
ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠીત લેખક, લધુકથાના જનક અને કડી નગરમાં અવિરત ૩૫ થી વધુ વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રમાં કેળવણીનો પ્રકાશ પાથરનાર અને અનેક વિદ્યાર્થીઓના પ્રિય પાત્ર એવા આચાર્યશ્રી મોહનભાઈ બાભાઈદાસ પટેલ નું ૯૪ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થતા સાહિત્ય અને કેળવણીના ક્ષેત્રે ઊંડા શોકની લાગણી છવાઈ ગઈ. પાટણના વતની અને કડી નગરને પોતાની કર્મ ભૂમિ બનાવનાર શ્રી મોહનભાઈ સાહેબે ૧૯૫૧ માં સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે શિક્ષક તરીકે અને ૧૯૬૨ થી ૧૯૮૪ સુધી આચાર્યશ્રી તરીકેની સેવા આપી. સાહિત્યના ક્ષેત્રે તેઓનું અભૂતપૂર્વ ખેડાણ રહ્યું અનેક વિવેચન ગ્રંથો, ટૂંકી વાર્તાઓ, લધુકથાઓ, અનુવાદો, સંપાદનો, નિબંધ લેખન, શિક્ષણ ક્ષેત્રે તેઓના ઉત્તમ પ્રકાશનો હતા.
છગનભા, પ્રમુખસ્વામી મહારાજ વિષે ચરિત્ર લેખો, અંગ્રેજી ભાષામાં પણ તેઓ એ પુસ્તકો લખ્યા. ગુજરાતી સાહિત્યમાં લધુકથાના જનક તરીકે તેઓની આગવી ઓળખ હતી. લધુકથાના માધ્યમથી તેઓ એ ગુજરાતી સાહિત્યને પોતાના લેખો દ્રારા સમુદ્ધ બનાવ્યું. મોહનભાઈ સાહેબને અનેક એવોર્ડ અને સન્માન પત્ર પણ પ્રાપ્ત થયેલ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ ખાતે સર્વ વિદ્યાલયના સહયોગથી મોહનલાલ પટેલ વ્યાખ્યાન માળા પણ દર વર્ષે આયોજીત થાય છે. કડી ખાતે તેઓ ને સર્મપિત એવુ મોહનલાલ સાહિત્ય વર્તુળ પણ સાહિત્યની વિવિધ પ્રવૃતિઓમાં કાર્યરત છે. આદરણીય મોહનભાઈ બાભાઈદાસ પટેલ ના ર્સ્વગવાસથી કડી, ગુજરાત, સાહિત્ય જગત અને સર્વ વિદ્યાલય કેમ્પસ ઘેરા શોકની લાગણી અનુભવે છે.