મોરબીમાં બે વર્ષથી ઈજનેરી શાખાના 40 થી વધુ છાત્રો ગરીબ પરપ્રાંતીય બાળકો ને શિક્ષિત કરે છે

જે બાળકોને ભણવામાં વધુ રુચિ હોય તેવા 150 થી વધુ બાળકોના નજીકની સરકારી શાળામાં એડમિશન કરાવ્યા
મોરબીની લખધીર સિંહજી એન્જીનીયરીંગ કોલેજમાં વિવિધ ઈજનેરી શાખામાં અભ્યાસ કરતા 40 જેટલા વિદ્યાર્થીઓ શહેરની આસપાસ ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પરપ્રાંતિય ગરીબ બાળકોને ભણાવે છે. છેલ્લા બે વર્ષથી આ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. બી.ઈ. ઈલેક્ટ્રીકના સેકન્ડ યરમાં અભ્યાસ કરતા વિરલ ભડાણીયા, ધ્રુવીન રાખોલીયા, હાર્દિક ગોસાઈ અને પિયુષ પટેલ મધ્યમ વર્ગીય છાત્રો છે. મોરબીની આસપાસ આવેલા ઔદ્યોગિક ઝોનમાં પરપ્રાંતિય મજૂરો ખુબ મોટી સંખ્યામાં કામ કરે છે. પરંતુ દેશના વિવિધ રાજ્યોમાંથી તેઓ આવ્યા હોવાથી તેમના બાળકોને શિક્ષણમાં તકલીફ પડતી હતી. આ જોઈને જ્યારે છાત્રોએ શનિ-રવિવારે આવા બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. તેમનું આ અભિયાન જોઈને કોલેજના અન્ય વિદ્યાર્થીઓ પણ તેમની સાથે જોડાયા અને આ ટીમ 40 કરતાં પણ વધી ગઈ. આ છાત્રો શનિવારે બપોરથી સાંજ અને રવિવારે સવારથી બપોર સુધી ગરીબ બાળકોને ભણાવે છે.
ત્યારબાદ જે બાળકોને ભણવામાં વધુ રસ હોય તેને નજીકની સરકારી શાળામાં એડમિશન અપાવે છે. હાલમાં આવા 150થી વધુ બાળકોને તેમણે એડમિશન અપાવ્યા છે. એડમિશન બાદ પણ તેઓ સતત એ બાળકોના શિક્ષકોના સંપર્કમાં રહે છે અને બાળકની શૈક્ષણિક પ્રગતિ વિશે જાણતા રહે છે. આ ટીમની સેવા જોઈને દાતાઓ પણ મદદ કરતા થયા. હાલમાં મહિને દોઢ લાખના ખર્ચે ગરીબ બાળકોને સ્ટેશનરી, નાસ્તો તથા ભોજન આપવામાં આવે છે. વર્તમાન સમયમાં યુવાન મોબાઇલ અને ગેમ્સમાં જ વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદો સામે આ યુવાનો અનેક લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા આ છાત્રોએ જુના ગાદલા એકઠા કર્યા હતા. આ ગાદલાઓને ફરીથી વપરાશ યોગ્ય બનાવીને અંધાશ્રમમાં આપ્યા હતા. આ ઉપરાંત દર વર્ષે તેઓ જુના કપડા પણ એકઠા કરે છે. આ કપડાઓ રીપેર કરાવી તેની જોડી બનાવીને ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને આપે છે. બે વર્ષમાં તેમણે આ રીતે 1200 જોડીથી વધુ કપડા ગરીબોને આપ્યા છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી