કોઈએ ખોટો મેસેજ વાઇરલ કર્યો કે ચુંદડીવાળા માતાજીનું અવસાન થયું : આશ્રમ દ્વારા સફાઇ આપવામાં આવી કે માતાજી સ્વસ્થ છે

અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર પહાડો પર આવેલાં ચૂંદડીવાળા માતાજી આવતી કાલથી ચૈત્રી નવરાત્રી શરૂ થતી હોઈ નવ દિવસ સુધી અનુષ્ઠાન કરશે તેવો મેસેજ છેલ્લા ૨ દિવસ થી સોશીયલ મિડીયા પર ફરતો થયો હતો જો કે તેમના અનુયાયી અથવા તો કોઈ વ્યક્તિએ એવો મેસેજ વહેતો મુક્યો કે ચૂંદડીવાળા માતાજી ધામમાં ગયા હોવાથી તેઓએ દરેક ભક્તોને કોરોનાથી બચવાનો ઉપાય બતાવ્યો છે. જો કે અહીં કહેવામાં આવેલા ‘ધામ’નો મતલબ તેઓ તેમના મંદિરમાં અનુષ્ઠાનમાં નવ દિવસ સુધી ગયા છે પરંતુ લોકો તેમનું અવસાન થયું હોવાનું સમજતા ભારે અણસમજ ઉભી થઇ હતી.
બીજી બાજુ જાણ્યા સમજ્યા વિના કોણે આવો મેસેજ ફરતો કર્યો તેની પણ લોકોએ તપાસ શરૂ કરી દીધી હતી. સામાન્ય રીતે આપણી સંસ્કૃતિમાં જયારે કોઈ અવસાન પામે છે ત્યારે તેને ધામમાં ગયા હોવાનું કહેવામાં આવે છે જો કે અહીં ધામમાં એટલે લખનારનો ઈરાદો કદાચ માતાજીના ધામનો હશે પરંતુ લોકો તેને અવસાન સમજ્યા હોઈ આ બાબતે અન્ય એક મેસેજ દ્વારા સ્પષ્ટતા કરવી પડી હતી કે માતાજી જીવિત છે અને તેઓ આવતીકાલથી ચૈત્રી નવરાત્રીના ભાગરૂપે નવ દિવસનું અનુષ્ઠાન કરતા હોવાથી પોતાના આશ્રમમા આવેલી ગુફામા જતા હોય છે. ચુંદડી વાળા માતાજી આશ્રમ દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી કે માતાજી સ્વસ્થ છે અને પોતાના આશ્રમ પર છે.
અમિત પટેલ (અંબાજી)