જૂનાગઢ જિલ્લા દુધ ઉત્પાદક સંઘ દ્વારા દૈનિક ૧.૩૦ લાખ લીટર દુધનું કલકેશન અને વિતરણ

જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસ સંદર્ભે લોકોને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ પુરતા પ્રમાણમાં ઊપલબ્ધ થાય તે અંગેની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને સવારે ચા પીધા પછી જ જેમનો દિવસ ઊગે છે તેવા લોકોએ દુધની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. નાના બાળકોથી માંડીને ઘરનાં વડિલો અને તમામ સભ્યોને દુધનો જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહેશે. વંથલી પાસે શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા દૈનિક ૧.૩૦ લાખ લીટર દુધનું કલેકશન કરવા સાથે પેકીંગ અને વિતરણ કરવામાં આવે છે. અહીં કુલ ૧૬ જેટલા દુધ કલેકશન સેન્ટરો મારફત દૈનિક ૧.૩૦ લાખ લીટરથી વધુ દુધનું થાય છે કલેકશન પેકીંગ અને વિતરણ.
જિલ્લા દુધ ઉત્પાદક સંઘનાં ચેરમેનશ્રી રામશીભાઇ ભેટારીયાએ કહ્યુ કે, જૂનાગઢ સાથે ગીર સોમનાથ તથા આસપાસનાં જિલ્લાને પણ દુધ પહોંચાડવાની ક્ષમતા છે. આપણો વિસ્તાર પાણી વાળો હોવાની સાથે લોકો પશુપાલન વ્યવસાય સાથે પણ સંકળાયેલ છે. એટલે લોકડાઉન સ્થિતીમાં દુધની ચિંતા નથી. જૂનાગઢ શહેરમાં દુધ ઉત્પાદક સંઘ દ્વારા ૧.૩૦ લાખ લીટર દુધ પૈકી જિલ્લા સહિત આસપાસનાં વિસ્તારોમાં દૈનિક જરૂરીયાત મુજબ ૫૦ હજાર લીટર દુધ ૨૦ હજાર લીટર છાસ અને પ ટન દહીંનું વિતરણ થાય છે. વધારાનું દુધ અમુલ ડેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે.
જિલ્લા દુધ સંઘનાં કર્મચારીઓ ૨૪ કલાક કાર્યરત રહીને જિલ્લાની દુધની જરૂરીયાતો પુરી પાડશે, અવિરત રાખશે. ઊપરાંત દુધ મંડળીઓનો સમય દુધ સંપાદન માટે સવારે ૬ થી ૮ અને સાંજે ૬ થી ૮ રાબેતા મુજબ રહે છે. જિલ્લામાં દુધની વ્યવસ્થાઓ અંગે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાથે બેઠક કરી તમામ વ્યવસ્થા સુનિશ્વિત કરવા સાથે મંડળી ઉપર અને દુધ વેચાણ કેન્દ્ર ઉપર લોકો એક મીટર અંતર રાખીને વ્યવસ્થા જાળવે તે જરૂરી છે. તેમ શ્રી રામશીભાઇ ભેટારીયાએ વધુમાં જણાવ્યુ હતુ.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ