બકાનાં ગતકડાં (ભાગ-7)

બકાનાં ગતકડાં (ભાગ-7)
લોકડાઉન-3
કોફીના કપની સાથે મોબાઈલ લંબાવતા કસ્તુરીએ કહ્યું :” લો જોઈએ ઓનલાઇન છાપું જરા મોટેથી વાંચો. મનેય સમાચાર જાણવા મળે.”
“સરકારે ગરીબો માટે રાહત યોજના કરી જાહેર.દરેક રેશનકાર્ડ ધારકને પહેલી એપ્રિલથી કુટુંબ દીઠ મફત અનાજ મળશે. લોકડાઉનના દિવસોમાં ઘરે રહેલાં કર્મચારીઓને ઓનડ્યુટી ગણી દરેકને પગાર ચૂકવવા સરકારી અને ખાનગી દરેક સંસ્થાઓને આદેશ.
સરકારી શાળાના બાળકોને મધ્યાહન યોજના અંતર્ગત ભોજન પેટે ચૂકવાશે રોકડ રકમ.મુખ્યમંત્રી રાહત ફંડમાં અપીલને પગલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી ચાલીસ કરોડ રૂપિયાની સહાય.”બકાએ વાંચ્યું.
“સરકાર તરફથી જાહેર થતી યોજનાઓ મને તો ગમી. પણ એક સવાલ એ થયો કે પહેલી તારીખથી ફ્રી અનાજ આપશે.પણ અત્યારે એકત્રીસમી માર્ચ સુધી ખાશે શું ?જે લોકો રોજ રળીને રોજ ખાય છે એ શું કરશે ?” કસ્તુરીએ ચિંતા વ્યક્ત કરી.
“મને તો ચિંતા એ વાતની છે કે પ્રાઇવેટ સેકટરની જોબમાં જેના પીએફ કપાતાં નથી ,એવા કર્મચારીઓને એના માલિકો પગાર ચૂકવશે ખરાં ? પગારમાંથી જેની લોનો કપાય છે એ લોકોનું શું થશે ?લોનની ચિંતા તો રાત્રે સુવાય ના દે .”બકાએ નવી ઉપાધિ તરફ આંગળી ચીંધી.
ત્યાં ફોન રણક્યો.”બકા બહાર આવ.આજે ફરીથી વાંદરું કોઈનું કપડું લઈને ધાબે જતું રહ્યું છે.”બકો અને કસ્તુરી કોફીના કપ ડ્રોઈંગરૂમમાં મૂકીને બહાર નીકળ્યાં. એના ઘરથી ત્રણ ઘર દૂર જગના ઘરના ધાબાની પાળીએ દેખાય એવી રીતે એક વાંદરું એક કપડું ખોળામાં લઈને બેઠું હતું.સૌના વિસ્મિત ચહેરા જોતો બકાએ ઝાંપા બહાર નીકળી બૂમ પાડી.
“જગા… એ જગા…”
“જગાને કાલનો ઉજાગરો છે. તે હજી સુવા દીધો છે.”જગાની બાએ બહાર આવીને કહ્યું.
“અરે ઉઠાડો એને …કો’ ધાબે આવે… અને તમે કોઈ આવશો નહીં. ઘરમાં જ રહો. “કહેતો જગાના ઘર તરફ ગયો.નવાઈની વાત એ હતી કે બકો, જગો, અને જગાનો પરિવાર ધાબે પહોંચ્યા ત્યાં સુધી વાંદરું કોઈના ઘરેથી લાવેલો ટુવાલ લઈને ધાબાની પાળીએ જ બેસી રહ્યું. એ લોકોને જોતાં જ ટાંકી ઉપર ઠેકી ને ત્યાં ચિચિયારીઓ પાડવા લાગ્યું.
“જગા સીડી લાવ. ધાબાની ટાંકીમાં કંઈક લાગે છે.”બકાએ કહ્યું. સીડી વડે ધાબાની ટાંકીએ ચઢ્યા. પણ વાંદરું ભાગ્યું નહીં. ઉપરથી ટાંકીના ઢાંકણા ઉપર હાથ પછાડી દાંતીયા કરતું રહ્યું. ટાંકીનું ઢાંકણું ખોલતાં જ અંદર એક સાવ નાના વાનર બાળનું મૃત શરીર દેખાયું.
“જો… આ માં… એના વહાલસોયાને બચાવવા બિચારી બે દા’ડાથી ચોર બનીને કપડાં લઈ જાય છે… જેથી આપણે એની પાછળ જઈએ અને એના બચ્ચાંને બહાર કાઢીએ.”સૌની આંખો ડબડબી ગઈ. વાંદરી ટાંકીમાં વળી વળીને જુએ અને ચિચિયારીઓ પાડે…
જાણે કહેતી ના હોય ..”દિકુ… બહાર આવી જા… ઢાંકણું ખુલી ગયું છે.”પણ દિકુ આવે તો ને ?કોરોનાના જોખમ વચ્ચે અંદર પડાય નહીં. સોસાયટીમાં આ કામ શાંતાબેન સફાઇ કામદાર કરતાં. એમને ફોન કર્યો.
“હલો શાંતાબેન બકાભાઈ બોલું છું. સોસાયટીમાં સડ્સઠ નંબરની ધાબાની મોટી ટાંકીમાં એક વાંદરાનું બચ્ચું મરી ગયું છે. તાત્કાલિક આવી શકાય એમ છે ?”
“બકા ભૈ તમ કયો ન ના આઈએ એવું બન ?પણ અમ ઠેક સોણંદ રિયે સીએ. ઓય થી આબ્બા જવાના રસ્તા બંદ સ.વાહનોય બંદ. આબ્બુ ચમનું ?”શાંતાબેનની વાત સાચી હતી.
“અરે હા… એ હાચુ તમારા ઘરમાં હંધાય કેમ સે ?ખાવા પીવાની વસ્તુઓ છે ને ?કોંઈ મદદની જરૂર હોય તો બોલો .”
“આજ ચાર દા’ડા થઈ જ્યા. અમ પૈહા ખૂટી જ્યા હ. નકર વસ્તુઓ તો બધી ઓંય મલી રે’ હ.આજ હવારની સા નહીં પીધી. દૂધના પૈહા જ નહીં તે ..”શાંતાબેનથી ડૂસકું મુકાઈ ગયું. બકાના હૃદયમાં જાણે શારડી ફરી વળી.
“ચેટલા પૈહાની જરૂર હ?. બોલો મેકલી આલુ.”
“પોંનસો રૂપિયા બવ થઈ જ્યા. અઠવાડિયું નેકરી જહ. માર પગાર આવહે કે મું તરત તમન પાસા આલી જયે હોં.”શાંતાબેને મક્કમતાથી કહ્યું.
“પાછા આપવાની ચિંતા ના કરો. તમારો છોકરો હોય તો એને ફોન આપો.”શાંતાબેને છોકરાને ફોન આપ્યો.”જો જયલા તારી બાના નંબર ઉપર ફોન પે થી પાંચ હજાર રૂપિયા મોકલું છું. ઘરમાં ખાવા પીવા અને જરૂરી કામમાં વાપરજો. તારા બાપાની ડાયાબિટીસની દવા નિયમિત લાવજો પણ… તારા બાપાને જુગાર રમવા પૈસા ના આપતો.”બકાએ કહ્યું.
“હોવ્વે બકાકાકા મું હમજી ગ્યો.”
“બને તો દવાવાળાને અને દૂધવાળાને ઓનલાઇન પેમેન્ટ કરજે. રૂપિયાની નોટોમાં પણ કોરોના વાયરસ હોઈ શકે છે.ઘરમાં બધાનું ધ્યાન રાખજે.”
બકાએ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા. પછી કોર્પોરેટરને ફોન કરી આખી પરિસ્થિતિ સમજાવી. એમણે કોર્પોરેશનના માણસોની વ્યવસ્થા કરી આપી.એ લોકો એ આવીને બચ્ચાનો નિકાલ કર્યો. ટાંકી સાફ કરી. સેનિટાઈઝ પણ કરી.
“બિચારી વાંદરીનું બચ્ચું મરી ગયું. સાલું આપણે એને લઈ ગયાં તો જોડે જઈને ખાડો ખોદીને દાટે ત્યાં સુધી ઊભા રહેવા જેવું હતું. આપડી સોસાયટીમાં મરી ગયું.”ટીનીયાએ રડમસ અવાજે કહ્યું.
“કાલના જ સમાચાર સાંભળ…એક માણસ મરી ગયું. એના ઘરના માત્ર ત્રણ જણાં એને સ્મશાન લઈ ગયાં. ઇલેક્ટ્રિક અગ્નિદાહ આપી, ઘરે પાછા.એકસો ચુંમાલીસની કલમે તો ચાર જણાને કાંધ આપવાનો રિવાજે ય બંધ કરાવી દીધો.”પકલાએ ઉદાસીન અવાજે કહ્યું.
“આ લોકોએ અર્થઘટન ખોટું કર્યું. ખુદ પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે સ્મશાનયાત્રામાં નજીકના વીસેક સગાં સુધી જઈ શકે.”બકાએ કહ્યું.
“ને પસી એ વીહ ભેગા થયોં ઇમો હી મહોંણમોં હી કોઈ ન કોરોના ચોંટી જ્યો તો… ઈનું હું કરશ્યો ?” ચુનીકાકા અકળાયા.
“તો… કોરોનાને કોન પકડી ન તમારી પોંહે લઈ આબ્બાનો. હેંડ કોન પકડી ન ઉઠબેહ કર.પસી તમે જોણો ન એ જોણે.”બકાએ આંખ મીંચકારી.
“મેર રોયા… મારી પોંહે હું કોંમ ?ઊભો રે’જે આજ તો તન હારી પેઠે ધીબેડવો હ.” ધોતી પકડીને ચુનીકાકા બકા ભણી ધસ્યાં. બકો તો જાય… નાઠો.
“ચુનીકાકા ધોતી સાચવજો. પડો નહીં ક્યાંક. બકાને પકડવો અઘરો છે.”પાછળથી ભગાએ બૂમ પાડી.
લેખક : નિકેતા વ્યાસ-કુંચાલા, અમદાવાદ