બનાસકાંઠાનો સૌ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નેગેટીવ આવતા તંત્રને હાશકારો…

- જિલ્લામા કોરોના વાયરસ સામે પાંચ વર્ષના માસુમ બાળકે જંગ જીત્યો…
- જિલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ આવેલા બાળક મહેકના બીજા રિપોર્ટ નેગેટીવ આવતા હાલ પાલનપુર સીવીલમાંથી રજા અપાઇ છે..
- બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલે અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ વાવના મહેકને કોવિડ-19 હોસ્પીટલમાંથી વિદાય આપી..
બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ આવેલા પાંચ વર્ષના માસુમ બાળકે કોરોના સામે જંગ જીત્યો છે. વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના ૫ વર્ષીય બાળક મહેક અરવિંદભાઇ વડાલીયાનો બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયો હતો. તેને બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સીવીલ હોસ્પીટલ ખાતે તૈયાર કરાયેલ કોવિડ-19 હોસ્પીટલમાં સારવાર બાદ બીજા બે રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પીટલમાંથી હાલ તો રજા આપવામાં આવી છે. કલેકટરશ્રી સંદીપ સાગલે, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ર્ડાકટરોએ મહેકને ચોકલેટ આપી, તાળીઓથી અભિવાદન કરી હોસ્પીટલમાંથી વિદાઇ આપી હતી.
આ પ્રસંગે બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ વાવ તાલુકાના મીઠાવીચારણ ગામમાંથી નોંધાયો હતો. ૫ વર્ષના મહેક અરવિંદભાઇ વડાલીયા સુરતથી બનાસકાંઠા જિલ્લામાં આવ્યા હતાં. કલેકટરશ્રીએ જણાવ્યું કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. ફેન્સી અને તેમની ટીમની સમયસરની સતર્કતાના કારણે તા. ૧૧મી એ બનાસ મેડીકલ કોલેજ પાલનપુર ખાતે સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી અને બનાસ મેડીકલ કોલેજની આખી ટીમે જહેમત બાદ સુંદર સારવાર આપી, મહેકને બે રિપોર્ટ નેગેટીવ આવતા તેમને આજે હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની સુંદર કામગીરી અને પરસ્પર સંકલનના કારણે આજે પ્રથમ કેસ આવેલ બાળક સાજુ થયું છે તે બદલ આનંદની લાગણી અનુભવું છું.
કોરોના સંક્રમણથી સાજા થયેલા બાળક મહેકના દાદા શ્રી રૂપસિંહભાઇ વડાલીયાએ જણાવ્યું કે જયારે મને ખબર પડી કે મારા પૌત્રનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાનું સાંભળ્યા પછી હું ગભરાઇ ગયો હતો. તેમણે કહ્યું કે બનાસ મેડીકલ કોલેજ સંચાલિત હોસ્પીટલમાં ખુબ સારી સારવાર મળતાં હું ર્ડાકટરો, નર્સ સહિત તમામ સ્ટાફનો ખુબ ખુબ આભાર માનું છે. હું આજે બહુ ખુશ છે કે મારો પૌત્ર સાજો થઇ ગયો છે. તેમણે લોકોને કોરોનાથી ગભરાયા વિના ઘરમાં રહી સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.મનીષ ફેન્સી, સીવીલ સર્જનશ્રી ર્ડા. ભરત મિસ્ત્રી, આરોગ્યના નોડલ ઓફિસરશ્રી ર્ડા. એન. કે. ગર્ગ, ર્ડા. ગીતાબેન પટેલ સહિત ર્ડાકટરો, નર્સ અને બનાસ મેડીકલ કોલેજ અને સીવીલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. વાયુ વેગે સારા સમાચાર મળતા બનાસકાંઠા જિલ્લા ભરની પ્રજા હાશકરો અનુભવ્યો હતો.
રિપોર્ટ : કિશોર નાયક (બનાસકાંઠા)