માળીયામાં જમીનના ડખ્ખામાં જૂથ અથડામણ અને હત્યા થયાનો ઘટસ્ફોટ

બન્ને જૂથે સામસામી ફરિયાદ નોંધાવી : જમીનની બબાલમાં રવિવારે સાંજે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી
મોરબી : માળીયા મિયાણામાં રવિવારે સાંજે બે જૂથ વચ્ચે જમીનના ડખ્ખામાં હિંસક અથડામણ થઈ હતી. જેમાં એકની લોથ ઢળી હતી અને ત્રણને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે બન્ને જૂથે એકબીજા સામે ઘાતક હથિયારોથી હુમલો કરી એકની હત્યા થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળિયાના કોબા વાંઢ વિસ્તારમાં રહેતા કાસમભાઈ હબીબભાઈ જામ (ઉ.વ 32) અને માળીયામાં જ રહેતા કરીમભાઈ ઇશભાઈ જામ (ઉ.વ.41) વચ્ચે જમીન મામલે ડખ્ખો ચાલતો હોય ગઈકાલે રવિવારે સાંજે માળીયાની મામલદાર કચેરી પાસે આ મામલે બન્ને જૂથ ઘાતક હથિયારો સાથે આમને સામને આવી જતા બન્ને જૂથ વચ્ચે લોહીયાળ ધીંગાણું થયું હતું. બાદમાં કાસમભાઈ હબીબભાઈ જામેં ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓ કરીમ ઈશા જામ, ગફુર ઈશા જામ, દાઉદ ઈશા જામ અને દિકો અયુબ સંઘવાણીએ જમીનના ડખ્ખાની જૂની અદાવતનો ખાર રાખી તલવાર, ધારીયું, છરો સહિતના ઘાતક હથિયારો લઈને ફરિયાદીના ભાઈ અનવર હબીબભાઈ અને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો.
જેમાં તલવારનો ઘા પેટમાં લાગતા ગંભીર ઇજા થવાથી અનવર હબીબભાઈનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જ્યારે ફરિયાદીને આ ખૂની હુમલામાં ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. બે જૂથ વચ્ચેની આ હિંસક અથડામણમાં સામેના જૂથના કરીમ ઈશા જામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓ કાસમ હબીબ જામ, મૃતક અનવર હબીબ જામ, ગુલામ રસુલ મલાણી અને ફારૂક હબીબ જામેં જમીનની જૂની અડવાતનો ખાર રાખી તલવાર છરી, ધારીયું, ધોકા, પાઇપ સહિતના હથિયારો સાથે સાહેદ દાઉદ ઈશા જામ અને ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સાહેદનો એક હાથ કપાઈ ગયો હતો. અને બન્નેને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. માળીયા પોલીસે બન્ને જૂથની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી