બકાના ગતકડાં : બીવીયોં કા હૈ જમાના

બકાનાં ગતકડાં
(બીવીયોં કા હૈ જમાના)
અમદાવાદમાં લોકડાઉનના માહોલમાં એકસરખી જીદગીથી કંટાળેલા જીગાએ બકાને ફોન કર્યો.
“ અલ્યા તું શું કરે છે……ફોન બોનેય કરતો નથી ?”જીગાએ અકળામણ ઠાલવી.
“એક કામ કર વિડીયો કોલ કરીએ.તને જોઉં તો મળ્યા જેવું લાગે.આપણા ગ્રુપમાં મેસેજ મુકીએ.જે ફ્રી હોય એ વિડીયો કોલમાં જોડાય.”
થોડીવારમાં અનુકૂળતા મુજબ વિડીયો કોલ કોન્ફરન્સમાં મિત્રો જોડાયા.બકાએ વાતની શરૂઆત કરી.
“કેમ છો બધાં?તમારા ફેમિલીમાં બધા ઓકે છે ને ?”
“બકા યાર તું આપણા સુધી જ વાત રાખ.ફેમિલીને મૂક એક બાજુમાં.”રાજુ ચિડાયો.
“અલ્યા પણ સમાચાર તો પૂછવા કે નહી …?”જીગો બોલ્યો.
“અરે યાર ….આખો દહાડો લોકડાઉનમાં ઘરવાળા બધા જોડે ને જોડે…માંડ બધા ભેગા થયાં છીએ, ‘ને કોઈએ આપણા સિવાય કોઈની વાત નહી કરવાની.”પ્રીતેશે વટહુકમ બહાર પાડ્યો.
“મારો ય ફેમિલીની વાત કરવાનો કોઈ મૂડ નથી.હજી હાલ જ બબાલ પતી.”રાજુ ઢીલા અવાજે બોલ્યો.
“શેની બબાલ ?આજુબાજુવાળા જોડે મગજમારી થઈ કે શું ?અત્યારે રાત્રે ?”બકાએ પૂછ્યું.
“અરે બાપા…તને ખબર છે ને મારી બૈરી પોલીસમાં છે …એને ઈમરજન્સીમાં ડ્યુટી જવું જ પડે…એટલે ઘરને છોકરાં મારે સાચવવા પડે…હું તો કંટાળી ગયો.લોકડાઉન ખુલે તો સારું.” રાજુએ ફોડ પાડ્યો.
“જમવાનું બહારથી મંગાવાય નહી,કામવાળા આવે નહી,રસોઈયો આવે નહી….બધાએ સાલું એડજસ્ટ તો કરવું જ પડે ને.”જીગાએ કહ્યું.
“અલ્યા આને ઘરમાં લોકડાઉનની મજા કહેવાય…” ચિંતન બોલ્યો.
“કોઈ કામ કરે એવું છે નહી એટલે મારે ઘરકામ કરવું પડે.એ નોકરીથી પછી આવે ત્યારે એવું મગજ ગરમ હોય,વાત વાતમાં તતડાવી નાખે યાર…આપણી તો કઈ વેલ્યુ જ નહી …પાછું ફિલ્ડમાં ગઈ હોય એટલે એને ઘરમાં સેલ્ફ કોરન્ટાઇન રહેવાનું……”રાજુ બોલ્યો.
“ઓહ તારી વાત સાંભળીને મને પણ ભાભીની ચિંતા થાય છે.”રીતેશ બોલ્યો.
“યાર મારી તો વાટ લાગી ગઈ છે….આખો દિવસ સ્કૂલમાં છોકરાઓને ધમકાવતી હોય એમ ઘરમાં બધાની લેફ્ટ રાઈટ લઇ લે છે.મોડામાં મોડું સાત વાગે તો ઊઠી જ જવાનું.દસ વાગે સુઈ જવાનું.ટાઈમસર નાસ્તો…ટાઈમસર જમવાનું….દર અડધા કલાકે હાથ સેનીટાઈઝ્રરથી ધોયા કે નહી એનું એક કાગળ બનાવ્યું છે.એમાં બધાએ જાતે સેનેટાઈઝરથી હાથ ધોઈને એ કાગળમાં સહી કરવાની. જો
શી કરવાનું ભૂલી ગયાં તો હાથ ધોયા નથી એમ માનીને એવું લાં……..બુ……ભાષણ આપે ને !!!બાપ રે…….”જીગાએ ફટાકડો ફોડ્યો ,એ ભેગા બધા હસી હસીને લોટપોટ થઈ ગયાં.
“મારી વાઈફને પણ ઈમરજન્સી ડયુટી આવે …યુ નો શી ઈઝ અ ડોક્ટર.સાલું મારો જીવ એવો અધ્ધર રહે છે ને…આને ક્યાંક કોરોનાનો ચેપ લાગી ગયો તો મારા તો છોકરાએ નાના નાના છે…મારી મમ્મી તો આખો દિવસ મને બોલ બોલ કર્યા કરે…આવા લોકડાઉનમાં બધાની વહુઓ ઘરમાં છે ને એક મારે જ ડોક્ટર વહુ મળી …તે આ ઉમરે જાતે કામ કરવું પડે છે…બેયની વચ્ચે મારી તો સેન્ડવીચ થઇ જાય છે.”પ્રીતેશે પરેશાની રજુ કરી.
“હમમમમ…સાચવી લેવાનું.”સહાનુભૂતિનો સુર રેલાયો.
“મારી બૈરી તો કઈ સમજતી જ નથી….ટીવીમાં સમાચાર જોતા જોતા ય આમાં આમ થયું તો આ કલમ લાગે…આ ઘટનામાં આવા આવા કાયદાકીય પગલાં ભરી શકાય,એવી એની વાતો મને બીવડાવતી હોય એવું ય ક્યારેક ક્યારેક તો લાગે છે.કાયદાનો ભંગ થતો જુએ કે તરત બે વાર તો પોલીસને ફોન કરી દીધો.”ચિંતને ચિંતા વર્ણવી.
“પોલીસને શું કામ ફોન કરવો પડ્યો ?વાત શું હતી?”બધાએ એકસામટું પૂછ્યું.
“અમારી કામવાળી આવતી નથી….અમારી સામેવાળાના ઘરે કાયમ કામવાળો આવે.એક દિવસ એ બાબતનો પોલીસને ફોન કરી દીધો.પાછો કામવાળો આવ્યો એ વખતે બાતમી આપી.એટલે એ જ ટાઈમે આવીને પોલીસે ઘરમાલિક અને કામવાળા બેયને લોકઅપમાં ઘાલી દીધાં”બોલતા બોલતાં ચિંતને જરાક અટકીને આજુબાજુ જોઈ લીધું,ઘરમાં કોઈ સાંભળતું તો નથી ને !
“હમમમમ……પછી બીજી વાર શું બનેલું ?”
“બીજીવાર…. સોસાયટીમાં બૈરાઓ ભેગાં થઈને ઓટલે વાતો કરતા હતાં…એનો ફોટો પાડીને પોલીસ કમિશ્નરને મેસેજ મોકલ્યો.પોલીસ બધાને લઈ ગઈ…ને સોસાયટીના સેક્રેટરીને ય લેતાં ગયાં.”ચિંતન બોલ્યો.
“આમ તો જાગૃત નાગરિક તરીકે એમણે ફરજ બજાવી કહેવાય.”રાજુ બોલ્યો.
“પણ સોસાયટીમાં વગર કારણે લોકો સાથે મારે વેર બંધાય એનું શું…?લેટ ગો કરતાં શીખ; એમ લમણાં લઇ લઈને થાકી ગયો યાર….આ બાઈ સમજતી જ નથી…” ચિંતનની ચિંતા વ્યાજબી હતી.
“ઘરમાં જ ફરજીયાત રહેવાનું છે એટલે ઝાઝી મગજમારી પણ કરાય નહી.એટલે આપણે ય લેટ ગો કરીને લેડીઝ પાર્ટી જેમ ગાડું ચલાવે એમ ચલાવવા દેવાનું.વધારે લપ કરવા જઈશું તો ક્યાંક બકરું કાઢતાં ઊંટ પેઠું એવું ના થાય.લોકડાઉન તો આખી જિંદગી નહી રહે.પણ આ સમયની યાદો હંમેશા રહી જશે.” રીતેશે કહ્યું.
“મારે તો વાત જ અલગ છે.તો ય હું કઈ બોલ્યો ?”બકો શાંતિથી બોલ્યો.એને સાંભળવાની ઉત્સુકતા બધાયને હતી જ.બકાની ઘરવાળી પણ મેનેજર હતી.હજી કોઈ કશું પૂછે એ પહેલાં કસ્તુરી દેખાઈ.
“કેમ છો બધાં?શું વાતો ચાલે છે ?”એણે બધાને પૂછ્યું.
“લોક્ડાઉનમાં શું કરીએ છીએ તે વિષે ચર્ચા ચાલે છે.લોકડાઉનમાં અમારો ભાઈબંધ શું વિશેષ કામગીરી કરે છે એ તમે જ કહો.”
“મારે તો એમને રસોઈ હરીફાઈમાં ભાગ લેવડાવીને ઇનામ જીતાડવું છે.એટલે અત્યારે રસોઈનો બધો જ ચાર્જ એમનો છે. ભલે ને ચામાં ખાંડના બદલે મીઠું નાખે…ને તેલના બદલે લીક્વીડ સોપથી લોટ બાંધે.એમને પૂછી જુઓ મારે કોઈ દિવસ એમને વઢવાનુ નહી.એમ કરતા કરતા જ શિખાય.”
“તમારે ભાગે કઈ કામ કરવાનું આવે કે નહી ?”જીગાએ પૂછ્યું.
“મારે ઘરમાં બધા બરાબર કામ કરે છે ને એ દેખરેખ રાખવાની.નિયમો બનાવવાના અને પાલન કરાવવાનું.દસ વાગ્યે સુઈ જ જવાનું એવો નિયમ છે.દસ વાગવા આવ્યાં એટલે હું જોવા નીકળી.તમારા ભાઈબંધ છે ક્યાં ?”ક્સ્તુરીએ કહ્યું.
બધા સાનમાં સમજી ગયાં…બીવીયોં કા હૈ જમાના…!
લેખક: નિકેતા વ્યાસ કુંચાલા