બાળવાર્તા : બકાની ભેંસ

બાળવાર્તા : બકાની ભેંસ
Spread the love

બકાની ભેંસ

ગામમાં તોફાનીમાં તોફાની છોકરો એટલે બકો. બકાને એક ભેંસ હતી. એ પણ બકાની જેમ ભારે જબરી. રોજ સવારે બકો એની ભેંસને તળાવે લઈ જાય.ઘસી ઘસીને નવડાવે.તોય ભેંસ પાણીમાં જઈને બેસે. અને નીકળવાનું નામ જ ન લે.

એક દિવસ તો બકો બરાબરનો ખિજાયો. “એય… બાર નિકળ… ક્યારનો બોલાવ બોલાવ કરું છું… સાંભળતી નથી ?ફટાફટ બાર આવી જા નહિતર જંગલમાંથી બુચિયો વાઘ આવીને તને ખાઈ જશે.”વાઘનું નામ લીધું એટલે ભેંસ તો ખિજાઈ:”.હું કંઈ બુચિયા વાઘથી બીતી નથી. આવવા દો આવતો હોય તો એને હું જોઈ લઈશ.”

ઝાડ ઉપર બેઠેલો ચંપુ વાંદરો આ બધો તાલ જોતો હતો. એણે લાગ જોઈને પૂછ્યું “એટલે તું બુચિયા વાઘથી બીતી નથી ?”

“હું તો કોઈના બાપથી એ ના બીઉ…”

“તો તું બુચિયા વાઘને હરાવી દઈશ એમ …”ચંપુ એ પૂછ્યું.

“એય… છાનોમાનો રે ને… સાલા વાંદરા… ને એય ..તું ભાઈ પાણીમાંથી બહાર આવ મારી મા “બકાએ ભેંસને હાથ જોડ્યા.
વાંદરાના પેટમાં ખદબદ ખદબદ થતું હતું. એ આમ વાત પૂરી થવા દે કંઈ ?એણે કહ્યું :”તો પછી બુચિયા વાઘ સાથે તારી ફાઈટીંગ રાખીએ. જે જીતે એ બળવાન.”

બકાને આવી વાત સાંભળીને વાંદરા પર સખત ગુસ્સો આવતો હતો. એણે છૂટટુ ચંપલ માર્યું. તો વાંદરો નિશાન ચૂકવવા ઝાડ ઉપરથી ડાળની નીચે લટકી ગયો.”બોલ બોલ જલ્દી કહી દે તો હું બુચિયા વાઘ સાથે નક્કી કરી આવું. તારા કરતાં તો અમારા ગામની ભેંસેય જોરુકી છે. એમ એના સાલાના મોંઢા પર કહી દઉં “વાંદરાએ પાનો ચઢાવ્યો.

“જા જા કહી દે તું તારે… આજથી ચોથા દિવસે ગામની બહાર મેદાનમાં આવી જાય.”ભેસે વાંદરાને કહ્યું. અને ફટ દઈને પાણીમાંથી નીકળીને ઘર તરફ ચાલવા લાગી. બકો તો રાત દિવસ ભેંસને મનાવવા માંડ્યો. “મારી વ્હાલી ભેંસ તું બુચિયા વાઘ જોડે લડવાની જીદ છોડી દે.”પણ જિદ્દીલી ભેંસ કંઈ માને ?એણે તો ઉપરથી બકાની કિટ્ટી કરી નાખી બોલો.

ચંપુ વાંદરો સાચે જ ચાંપલો હતો. એ ઢોલ લઈને વગાડતો વગાડતો જંગલમાં ગયો. છેક બુચિયા વાઘની ગુફા સુધી જઈ ઝાડ ઉપર ચઢીને ઢોલ વગાડવા લાગ્યો. વાઘની ઊંઘ બગડી. એણે જોરદાર ત્રાડ નાંખી.:” કોણે મારી ઊંઘ બગાડી છે ?”

“એ તો હું છું ચંપુ મહારાજ. એક સમાચાર આપવા આવ્યો છું.”ચંપુ બોલ્યો.

વાઘ બહાર આવ્યો.”બોલ ચંપુ.શું સમાચાર લાવ્યો છું ?”

“ગામમાં બકાની ભેંસ તમારી સાથે આજથી ચાર દિવસ પછી ગામની બહાર મેદાનમાં મુકાબલો કરવા માંગે છે. એણે તમને હરાવવાનું બીડું ઝડપ્યું છે.”હવે વાઘના કાન ચમકયાં.

“એવી જબરી ભેંસ છે ?”

“અરે તમારી આગળ એની શું વિસાત ? પણ છે બાકી જોરદાર મસ્ત. તમે ખાતાં નહીં ધરાવ એવું તો એનું શરીર છે. જાણે નાનો હાથી જ જોઈ લો.”હવે વાઘને રસ પડ્યો.

“એમ…?”

“હા મહારાજ. તો હું બધાને આ મુકાબલા વિશે કહી દઉં ને …”વાંદરાએ પૂછ્યું. હકારમાં માથું હલાવીને વાઘ ગુફામાં પેઠો.એને હવે બકાની ભેંસના જ વિચારો આવતાં હતાં. આવો સરસ શિકાર સામે ચાલીને મળવાનો હતો.હવે કશું ખાવું પીવું નથી. ચોથા દિવસે ખાઈશ તો બકાની ભેંસને જ. આમ નક્કી કરી એણે તો ત્રણ દિવસના ઉપવાસ કર્યા.

ચંપુ વાંદરો આખા જંગલમાં ફરીને ઢંઢેરો પીટી આવ્યો:”એય… સાંભળો… સાંભળો… સાંભળો… આજથી ચોથા દિવસે જંગલની બહાર મેદાનમાં બકાની ભેંસ સાથે બુચિયા વાઘનો મુકાબલો છે… આ જોરદાર ખરાખરીનો ખેલ જોવા બધાએ આવવાનું છે…..”ઢૂંમ ઢૂંમ ઢૂંમ ઢૂંમ…. ઢોલ વગાડતો જાય ને બોલતો જાય. આખા જંગલમાં બધાને અચંબો થયો.

બકાએ આખા ગામને ભેગું કરી આ મુકાબલાની વાત કરી.જો બકાની ભેંસ હારી જાય તો તો ગામની આબરૂ જાય. અને વાઘ ગામમાં પેંધો પડે… બધાએ બકાને કહ્યું :”બકા ચિંતા ના કરીશ. અમે તારી જોડે છીએ.”

હવે ભેંસે શું કર્યું એ જોઈએ.એ રોજ તળાવે જાય. કિનારાના કાદવમાં આળોટે. તડકો ખાય અને ઘરે પાછી આવે. બકો કહે તોય તળાવમાં ન્હાવા ના જાય. હવે તો મુકાબલો જીતીને પછી જ તળાવમાં નાહીશ.

છેવટે મુકાબલાનો દિવસ આવી ગયો. મેદાનમાં સવારથી જ પશુ પંખીઓ ઉભરાવા માંડ્યા. સિંહ, વાઘ, ચિત્તો, રીંછ,હરણ, સાબર,શિયાળ, સસલું, કાચબો, વાંદરો, બિલાડી, કૂતરો, મગર, બતક, કાગડો, કોયલ,પોપટ, બગલો,ચકલી, કબૂતર, મોર ઢેલ, કૂકડો, મરઘી, બુલબુલ, સમડી, ગીધ, ગરુડ…બધાં ગોઠવાઈ ગયાં હતાં. સમય થતાં બુચિયો વાઘ પણ ધીમે ધીમે મેદાનમાં આવી પહોંચ્યો.

આ બાજુ આખું ગામ બકો અને ભેંસની સાથે સાથે મેદાનમાં આવ્યું. બચ્ચા ને બુઢા, નાના ને મોટાં સહુ લાકડીઓને ધોકા જે મળ્યું તે લઈ લઈને આવ્યાં હતાં.જો ભેંસને કંઈ થયું તો આજે બુચિયા વાઘને જીવતો નથી છોડવાનો.

શિયાળને મુકાબલાનો રેફરી બનાવ્યો. મુકાબલા માટે બેય ને ત્રણ ચાન્સ આપવામાં આવશે.મેદાનની બરાબર વચ્ચે એક આડી લીટી પાડી દીધી. એમાં એક ભાગ વાઘનો. એક ભાગ ભેંસનો. ટોસ ઉછાળ્યો. પહેલો વારો આવ્યો વાઘનો.બધાના જીવ અધ્ધર થઈ ગયાં.
વાઘે તો સીધી જ તરાપ મારી ભેંસ ઉપર. પણ આ શું ?ચાલાક ભેંસે તો ઝડપથી ખસી જઈને વાઘનું નિશાન ચુકાવી દીધું. બકો તો ખુશ થઈ ગયો… ‘વાહ વાહ મારી ભેંસ ..’

હવે ભેંસનો વારો આવ્યો.એ તો પાછા પગલે પાછળ પાછળ પાછળ ગઈ…… પછી એકદમ ઝડપથી વાઘ તરફ ધસી. અને વાઘ કશું સમજે એ પહેલાં તો શિંગડાથી ઉછાળીને એક બાજુ ફેંકી દીધો. બિચારાના હાડકાં ભાંગી ગયાં. અને વાઘ ઊભો થાય એ પહેલાં તો પાછી પોતાના મેદાનમાં ભાગી આવી.આખું મેદાન સીટીઓથી ગુંજી ઉઠ્યું.પહેલો રાઉન્ડ ખતમ થયો

બીજા રાઉન્ડમાં પહેલાં વાઘનો વારો આવ્યો. એણે આ વખતે દાવ બદલ્યો .ધીમે ધીમે ભેંસના મેદાનમાં આવ્યો અને ગર્જના કરતો કરતો ભેંસની ચારે બાજુ ગોળ ગોળ ફરવા લાગ્યો.એણે લાગ જોઈને ભેંસના પાછલા ભાગે પંજો માર્યો. ભેંસ નીચે પડી ગઈ. એણે ભેંસની પીઠ ઉપર દાંત બેસાડ્યા. થૂ થૂ થૂ થૂ… આ શું ???એના મોં માં નકરી માટી અને છાણ આવ્યું. એને ઉલટી જેવું થવા માંડ્યું. ભેંસ તો એકદમ ઊભી થઈ ને લાતે ને લાતે એને ફરી વળી. વાઘના આગળના ચાર દાંત પડી ગયાં. એનું મોં લોહીલુહાણ થઈ ગયું.તાળીઓના ગડગડાટથી આખું મેદાન ગુંજી ઉઠ્યું.

હજી તો વાઘ માંડ એના મેદાનમાં પહોંચ્યો ત્યાં જ પાછળને પાછળ જ ભેંસે હુમલો બોલાવી દીધો.લાતે ને લાતે એને બરાબરનો ધોઈ નાંખ્યો ને હજી ઊભો થાય એ પહેલા તો દોડીને પાછી આવી ગઈ. બધા પ્રેક્ષકો ભેંસના નામના નારા બોલાવવા માંડ્યા. હવે બુચિયો વાઘ જોરદાર ગુસ્સે થયો હતો.

ત્રીજો રાઉન્ડ થોડીવાર પછી શરૂ થયો. વાઘ ભેંસના મેદાનમાં ઘૂસ્યો. હુમલો સીધો મોં ઉપર કરવો અને ડોકી મરડી નાખવી એમ વિચારી એણે સામેથી ભેંસ ઉપર તરાપ મારી. ભેંસ તો તૈયાર જ હતી એણે શિંગડા નમાવ્યા અને સામે ગઈ. વાઘનું શરીર ભેંસના શિંગડા પર પડ્યું એવા જ અણિયાળા શિંગડા વાઘના પેટમાં પેસી ગયાં….વાઘનું પેટ ચિરાઈ ગયું ..મરેલા વાઘને શિંગડા ઉલાળી ને દૂર ફેંકી દીધો.

બધા પશુ પંખીઓ અને ગામવાળાએ ઢોલનગારા વગાડીને ભેંસને શાબાશી આપી. એકે એક જણાના મોઢે એક જ વાત હતી :”બકાની ભેસે તો ગામની આબરૂ વધારી.બકાની ભેંસની વાહ ભાઈ વાહ…!!!”

લેખક : નિકેતા વ્યાસ કુંચાલા

09 IMG_20200427_124829.jpg

Admin

Niketa Vyas

9909969099
Right Click Disabled!