નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે રાજપીપળા પાલિકાને ઠપકો આપ્યો

- CDHO એ રાજપીપળા પાલિકાને એક પત્ર લખ્યો
- રાજપીપળા શહેરમાં નાગરિકો સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરતા નથી તથા માસ્કનો ઉપયોગ ન કરતા હોવાનું માલુમ પડ્યું છે.
કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે નિયમોને આધીન ધંધા-રોજગાર, ધાર્મિક સ્થળો, હોટેલો, મોલ તથા અન્ય એકમો ખોલવાની પરવાનગી આપી છે, પણ સોશિયલ ડિસ્ટનસિંગ, માસ્ક પહેરવું અને સેનેટાઈઝર ફરજીયાત કર્યું છે. શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકા-નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામપંચાયતે આ બાબતનું ધ્યાન રાખવાનું હોય છે. પણ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડતા હોવાનું નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગને ધ્યાને આવતા રાજપીપળા પાલિકાને આરોગ્ય વિભાગે ઠપકો આપ્યો છે.
નર્મદા જિલ્લાના CDHO એ રાજપીપળા પાલિકાને એક પત્ર લખ્યો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે કોરોના મહામારી અટકાવવા હાલ સરકાર પગલાં લઈ રહી છે. કોરોનાના નિયંત્રણ માટે જે તે જિલ્લામાં આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. પણ રાજપીપળા શહેરમાં નાગરિકો સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરતા નથી તથા માસ્કનો ઉપયોગ ન કરતા હોવાનું માલુમ પડ્યું છે. રાજપીપળા પાલિકા કક્ષાએથી આ બાબતે જરૂરી પ્રચાર પ્રસાર કરવાનો રહેશે. જો કોઈ નાગરિક જાહેરનામાનો ભંગ કરે તો એપેડેમીક ડીસીઝ એકટ મુજબ દંડ વસુલ કરી જરૂરી કાર્યવાહી કરવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે
રાજપીપળા પાલિકા CO સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી ક્યારે થશે ? એવી પણ માંગ ઉઠી છે .થોડા દિવસો અગાઉ રાજપીપળા પાલિકા CO જયેશ પટેલ પોતાના કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સના પાલન વગર મોક ડ્રિલ કર્યું હતું. એ બાદ એમની વિરુદ્ધ પણ એપેડેમીક ડીસીઝ એકટના ભંગ બદલ કાર્યવાહીની માંગ ઉઠી હતી. હાલમાં જ કર્ણાટક રાજ્યના એક ઉચ્ચ પોલીસ અધિકારી પોતે માસ્ક વગર જાહેરમાં ફર્યા હતા. એ બાદ એમણે નૈતિકતાના ધોરણે પોતે જ દંડ ભર્યો હતો ત્યારે પાલિકા CO એ પણ નૈતિકતા સમજવી જોઈએ. બાકી “યથા રાજા તથા પ્રજા” એ કહેવત અહીંયા સાર્થક ઠરે છે.
પ્રજાના મનમાં એવું ઘર કરી ગયું છે કે કોરોના અદ્રશ્ય થઈ ગયો છે.પણ સરકારે અર્થવ્યવસ્થા સુવ્યવસ્થિત કરવા આ પગલું ભર્યું છે, પણ બીજી બાજુ કોરોનાના કેસ તો વધી જ રહ્યા છે. જો પ્રજા સરકારના નિયમોનું પાલન નહિ કરે તો આવનારા દિવસોમાં સરકાર કડક નિર્ણય લઈ શકે છે. સરકારી અધિકારીઓ પ્રજા પાસે નિયમોનું પાલન કરાવે કે ન કરાવે પણ પોતાના સ્વાસ્થ્ય માટે પ્રજાએ પોતે જાગૃત થવું જ પડશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા