ભાવનગર મહાનગરપાલિકાની ભાજપને ચૂંટણી દેખાણી
ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક મળશે આ બેઠકમાં જુદી જુદી કામગીરીના ઠરાવોને બહાલી આપવામાં આવશે. સત્તાધારી ભાજપને મહાપાલિકાની ચૂંટણી દેખાણી હોય તેમ કરોડોના વિકાસના કામને ધડાધડ મંજુરી આપવામાં આવશે. સફાઈના પેન્ડીંગ રખાયેલ ઠરાવને પણ મંજુરી આપવામાં આવશે. ભાવનગર મહાપાલિકાના હોલ ખાતે સવારે ૧૧.૩૦ કલાકે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળશે, જેમાં અંદાજીત રૂ. ર૭૯.૬૦ કરોડના વિકાસ કામોને મંજુર કરવામાં આવશે.
ભાવનગરના રાજકોટ રોડ શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલ થઈ દેસાઈનગર પેટ્રોલ પંપ સુધી ફોરલેન ફલાય ઓવર બનાવવાનુ કામ રૂ. ૧રર,પર,૬૭,૦રરના ખર્ચે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સિદસરના જુદા જુદા પ્લોટમાં કુલ ૧રપર આવાસ રૂ. ૧૦૯,૦૦,પર,૦૧૪ના ખર્ચે, ભાવનગર શહેરમાં કંસારા શુધ્ધિકરણ પ્રોજેકટનુ કામ રૂ. ૪૧,૯૮,૭૯,૯૬૦ના ખર્ચે, ફુલસર જકાતનાકા સ્લમ વિસ્તારમાં રૂ. ૮૦ આવાસ રૂ. ૪,૮૯,પ૬,૦૦૦ના ખર્ચે, કેટલાક વિસ્તારમાં ગટર લાઈન સુવિધા રૂ. ૧,૧૯,૦૦,૦૦૦ના ખર્ચે કરવામાં આવશે.
કુંભારવાડાના નારી રોડ પર કુતરા ખસીકરણ માટેની હોસ્પિટલ બનાવવાની કામગીરીની સમય મર્યાદા ૪ માસ માટે વધારવામાં આવશે, શિવાજી સર્કલથી શીતળા માતાના મંદિર સુધીના રોડની કામગીરીની સમય મર્યાદા ૪૮પ દિવસ વધારવામાં આવશે. અખિલેશથી શિવાજી સર્કલ સુધીના પેવર રોડ તથા આરસીસી રોડના કામની સમય મર્યાદા ૧૦૪ દિવસ વધારવામાં આવશે. ગત સ્ટેન્ડીંગમાં સફાઈ અંગેના ઠરાવ પેન્ડીંગ રાખવામાં આવ્યા હતા, જે ઠરાવને ગુરૂવારથી સ્ટેન્ડીંગમાં મંજુરી આપવામાં આવશે.
રેલ્વે સ્ટેશન પાસે જનતા તાવડા સામેના ખાંચામાં ટટીપાઈખાનાવાળી જગ્યામાં ભાવનગર મહાપાલિકા દ્વારા નાઈટ શેલ્ટર બનાવવા મંજુેરી આપવામાં આવશે. રેલ્વે સ્ટેશન રોડ પર હાલ એક નાઈટ શેલ્ટર છે જ ત્યારે બીજુ નાઈટ શેલ્ટર શુ કામ બનાવવામાં આવે છે ? તે મોટો પ્રશ્ન છે. સ્ટેન્ડીંગની બેઠકમાં કુલ ૧૮ ઠરાવને બહાલી આપવામાં આવશે. ફોરલેન ફલાય ઓવર, કંસારા શુધ્ધિરણ વગેરે પ્રોજેકટની વર્ષોથી વાતો થાય છે ત્યારે આ કામ કયારે પૂર્ણ થાય છે? તેની રાહ જોવી જ રહી. આ જાહેરાત માત્ર ચૂંટણીલક્ષી ન બની જાય તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.