દેશની પ્રથમ કિસાન રેલ શુક્રવારે દેવલાલીથી રવાના

કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ગઈ કાલે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા રાજ્યના નાશિક જિલ્લાના દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચે દેશની પ્રથમ કિસાન રેલ રવાના કરી હતી. આ પ્રસંગે બોલતાં કૃષિ અને ખેડૂત વિકાસ ખાતાના પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે કિસાન રેલ સસ્તા દરે કૃષિપેદાશ, ખાસ કરીને નાશવંત ચીજવસ્તુઓના પરિવહન કરવામાં અને ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મેળવવામાં મદદ કરશે.
આ પ્રસંગે રેલવેપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વર્ષના બંધનમાંથી મુક્ત કરવા અનેક પગલાં લીધાં છે, જે દેશને આત્મનિર્ભર કરવામાં સહાયક બનાવી સમૃદ્ધ બનાવશે.કિસાન રેલ દર શુક્રવારે સવારે ૧૧ વાગ્યે દેવલાલીથી નીકળીને બીજા દિવસે સાંજે પોણાસાત વાગ્યે બિહારના દાનાપુર પહોંચશે. વળતી ફેરીમાં દાનાપુરથી દર રવિવારે ૧૨ વાગ્યે રવાના થઈને સોમવારે સાંજે પોણાઆઠ વાગ્યે દેવલાલી પહોંચશે. બન્ને શહેર વચ્ચેનું ૧૫૧૯ કિલોમીટરનું અંતર આ ટ્રેન ૩૧.૪૫ કલાકમાં પૂરું કરશે.