માસ્ક પહેરવાને લઇને જાડેજા અને મહિલા પોલીસ વચ્ચે વિવાદ

- ટકરાવ બાદ પોલીસ કર્મી હોસ્પિટલમાં દાખલ
ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો રાજકોટમાં એક મહિલા પોલીસ કર્મી સાથે વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે ટકરાવને કારણે મહિલા હેડ કોન્સ્ટેબલ સોનલ ગોસાઇએ હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ. ડેપ્યુટી કમિશનર મનોહરસિંહ જાડેજા અનુસાર હજુ સુધી કોઇએ એક બીજા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી નથી. રવિન્દ્ર જાડેજા પત્ની રીવાબા સાથે કારમાં ફરવા નીકળ્યા હતા. બન્નેએ માસ્ક નહતું પહેર્યુ. આ દરમિયાન મહિલા કોન્સ્ટેબલ સોનલે તેમણે રોક્યા હતા અને માસ્ક ના પહેરવાને કારણે દંડ ભરવા કહ્યું હતું. સોનલે લાઇસન્સ પણ માંગ્યુ હતુ. આ દરમિયાન બન્ને વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી.
જાડેજાએ ખરાબ વ્યવહારની વાત કરી
આ વચ્ચે રવિન્દ્ર જાડેજાએ પોલીસને એમ જણાવ્યુ કે મહિલા હેડ કોન્સ્ટેબલ સોનલે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. જાડેજાનો દાવો છે કે તેણે માસ્ક પહેર્યો હતો. વિવાદ બાદ સોનલ તણાવમાં આવી ગઇ અને વિવાદ બાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થઇ ગઇ હતી.
જાડેજાએ માસ્ક પહેર્યુ હતું
ડેપ્યુટી કમિશનરે કહ્યું, રવિન્દ્ર જાડેજા અને મહિલા હેડ કોન્સ્ટેબલે એક બીજા વિરૂદ્ધ ખરાબ વ્યવહારના આરોપ લગાવ્યા છે. જોકે, કોઇએ પણ અત્યાર સુધી ફરિયાદ દાખલ કરી નથી. મને જ્યા સુધી સૂચના મળી છે કે જાડેજાએ માસ્ક પહેર્યુ હતું જ્યારે તેની પત્નીએ માસ્ક પહેર્યુ હતું કે નહતું પહેર્યુ તેની તપાસ કરવી પડશે.
IPLમાં ચેન્નાઇ માટે રમશે જાડેજા
રવિન્દ્ર જાડેજા આ વખતે પણ આઇપીએલમાં ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી રમતો જોવા મળશે. ટૂર્નામેન્ટ કોરોના વાયરસ વચ્ચે યુએઇમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે.