ગુમ/અપહરણ થયેલ બાળકો તથા સ્ત્રીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ દરમિયાન જૂનાગઢ જિલ્લા દ્વારા અસરકારક કામગીરી કરી

- કુલ 12 સગીરાને શોધી કાઢી, કુલ એક સગીર આરોપી સહિત 11 આરોપીઓને પણ પકડી પાડી, કુલ 23 વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા
તાજેતરમાં ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે 15 દિવસની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોઈ, જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલોસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ગુમ તથા અપહરણ થયેલ બાળકો અને સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે અસરકારક પ્રયત્નો કરી, આ બાબતે ગુમ થયેલ તથા અપહરણ કરવામાં આવેલ સગીર બાળકો તથા યુવતીઓને શોધી કાઢવા ખાસ સૂચનાઓ કરવામાં આવેલ હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, વિસાવદર, ભેસાણ સહિતના પોલીસ સ્ટેશનો દ્વારા અસરકારક કામગીરી કરી, જૂનાગઢ શહેર એ ડિવિઝન ખાતે 01, જૂનાગઢ શહેર બી ડિવિઝન ખાતે 01, વિસાવદર ખાતે 01 તેમજ ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે 03 મળી કુલ 06 ગુમ તથા અપહરણ કરવામાં આવેલ સગીરોને તેમજ 05 આરોપીઓને પકડી પાડી કુલ 11 ગુમ વ્યક્તિઓને શોધી કાઢવામાં આવેલ છે.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ
- જુનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કામદાર સોસાયટી, ચુનાની ભઠ્ઠી ખાતેથી તા. 11.07.2020 ના રોજ અપહરણ કરવામાં આવેલ સગીરાને જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જી.ચૌધરી તથા સ્ટાફની ટીમ દ્વારા વંથલી તાલુકાના ટીનમસ ગામ ખાતેથી *આરોપી સુરેશભાઈ ભગવાનભાઈ પરમાર જાતે રજપૂત ઉવ. 24 રહે. કામદાર સોસાયટી, ચૂનાની ભઠ્ઠી, જૂનાગઢ તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી, આરોપીને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ,
- જૂનાગઢ શહેર બી ડિવિઝન વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવેલ સગીરા તથા આરોપીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા ચોટીલા ખાતેથી આરોપી રહીમ ઉર્ફે મહેબૂબ બિલાલ અમીનભાઈ મુલતાની જાતે મુસ્લિમ પિંજારા ઉવ. 22 રહે. નંદનવન સોસાયટી, જોશીપુરા, જૂનાગઢ તથા ભોગ બનનાર સગીરાને ગણતરીના દિવસોમાં પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ.
- ભેસાણ ખાતે મજૂરી કામ કરતા આદિવાસી મજૂરની 13 વર્ષની સગીર દીકરી તેના 15 વર્ષના માસીના દીકરા સાથે નાસી જતા, આરોપી તથા ભોગ બનનાર બંને સગીરને ગણતરીના દિવસોમાં જૂનાગઢ સર્કલ પીઆઇ પી.એન.ગામેતી, ભેસાણ પીએસઆઈ આર.એ.જાડેજા તથા સ્ટાફ દ્વારા માખીયાળા ગામની સીમમાંથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ.
- તા. 27.07.2020 ના રોજ ભેસાણ તાલુકાના છોડવડી ગામ ખાતેથી સગીર યુવતીને આરોપી રોહિત ભાવેશભાઈ ડોડીયા લગ્ન કરવાના ઇરાદે નસાડી ગયેલ હતો, જેને પણ જૂનાગઢ સર્કલ પી.આઈ. પી.એન.ગામેતી તથા સ્ટાફ દ્વારા પકડી પાડી, શોધી કાઢવામાં આવેલ.
- એજ રીતે વિસાવદર પોલીસ સ્ટેશનની હદમાં ગામનો કિશોર સ્વામિનારાયણના સાધુ બનવાની ધૂનમાં પંદરેક દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલ, જે બાબતે ગુન્હો નોંધી, તપાસ દરમિયાન વિસાવદર પી.આઈ એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા વંથલી સ્વામિનારાયણ મંદિર ખાતેથી મળી આવતા, શોધી કાઢવામાં આવેલ હતો. આમ, ગુમ થાયેલાને શોધી કાઢવાની ડ્રાઇવ દરમિયાન જૂનાગઢ ડિવિઝન દ્વારા કુલ 06 સગીર અને 05 આરોપીઓને મળી કુલ 11 વ્યક્તિઓને શોધી કાઢવામાં આવેલ હતા.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ ગુમ થયેલા સગીર, મહિલાને શોધી કાઢવા માટેની ખાસ ઝૂંબેશ ના ભાગરૂપે પીએસઆઇ પી.જે.બોદર, ડી.જી.બડવા તથા સ્ટાફનો ખાસ જુદી જુદી ટીમો પણ બનાવવામાં આવેલ હતી. જે ટીમ પૈકી *પીએસઆઇ પી.જે. બોદર તથા સ્ટાફના હે.કો.રમેશભાઇ, પો.કો. કરશનભાઇ, ડ્રાઈવર ચંપરાજભાઈ સહિતની પોલીસ ટીમ દ્વારા
- વિસાવદર તાલુકાના છેલણકા ગામે થી તા. 23-03-2015 ના રોજ અપહરણ કરવામાં આવેલ સગીરાને વિસાવદર ટાઉન ખાતેથી મળેલ આરોપી મુકેશ ભીખુભાઈ ગેડિયા જાતે કુંભાર તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી, છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવેલ
- વિસાવદર તાલુકાના લાલપુર ગામ થી તા. 19.12.2009 ના રોજ અપહરણ કરવામાં આવેલ સગીરાને અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જલ જીવડી ગામેથી આરોપી રસિકભાઈ બટુકભાઈ પાટડીયા જાતે કોળી તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢીને *છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને શોધી* કાઢવામાં આવેલ
- વિસાવદર તાલુકાના જેતલવડ ગામની સીમમાં તા. 14.12.2018 ના રોજ બનેલ અને અપહરણ કરવામાં આવેલ સગીરાને જૂનાગઢ શહેરના દોલતપરા જીઆઇડીસી વિસ્તારમાંથી આરોપી મુકેશ મુળજી વાઘેલા જાતે દેવીપુજક તથા ભોગ બનનાર સગીરાને *છેલ્લા બે વર્ષથી ગુમ હોય, તેમને શોધી કાઢવામાં* આવેલ
- વિસાવદર તાલુકાના જાંબુડી ગામે તપાસ કરતા આરોપીને રાજકોટ જીલ્લાના શાપર વેરાવળ જી.આઇ.ડી.સી. ખાતેથી આરોપી ખુરેશ ઉર્ફે જયેશભાઈ ગોવિંદભાઈ સોલંકી જાતે.દલિત તથા ભોગ બનનાર સગીરાને છેલ્લા બે વર્ષથી ગુમ હોય, તેઓને શોધી કાઢવામાં આવેલ
- તા. 14.09.2009 ના રોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામ ખાતેથી અપહરણ કરવામાં આવેલ સગીરાને તથા આરોપીને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના સ્ટેશનવાવડી ગામે થી આરોપી મનુભાઈ કાનાભાઈ ડેર જાતે આહિર તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી, છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢવામાં આવેલ છે.
આ તમામ ગુન્હાઓમાં કુલ પાંચ આરોપીઓને પણ શોધી કાઢી, કુલ 10 વ્યક્તિઓને શોધી કાઢવામાં આવેલ છે. ઉપરાંત પીએસઆઇ ડી.જી.બડવા તથા સ્ટાફના હે.કો.સંજયસિંહ, પ્રદીપભાઈ, સંજયભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા (1) તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના દોલતપરા 66 કે.વી. ખાતેમાં થી તા. 15.02.2019 ના રોજ અપહરણ થયેલ સગીરાને શોધી કાઢી, આરોપી સલીમ ઈકબાલભાઈ શેખની ધરપકડ કરવામાં આવેલ છે.
આમ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા બનાવવામાં આવેલ ખાસ સ્ક્વોડ દ્વારા કુલ 06 સગીરાને શોધી, 06 આરોપોને પણ શોધી કાઢવામાં આવતા, કુલ 12 વ્યક્તિઓને શોધી કાઢવામાં આવેલ છે. આમ, ગુજરાતના ડીજીપી શ્રી આશિષ ભાટિયા દ્વારા ગુમ/અપહરણ થયેલ બાળકો તથા સ્ત્રીઓને શોધી કાઢવા માટે રાખવામાં આવેલ ખાસ ઝુંબેશ દરમિયાન જૂનાગઢ જિલ્લા દ્વારા અસરકારક કામગીરી કરી, કુલ 12 સગીરાને શોધી કાઢી, કુલ એક સગીર આરોપી સહિત 11 આરોપીઓને પણ પકડી પાડી, કુલ 23 વ્યક્તિઓને શોધી કાઢવામાં આવેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ