રાજકોટ-લોધિકા સંઘમાં વિવાદ : ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંકને લઈને બે જૂથ વચ્ચે લડાઈ

રાજકોટ-લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર થતાની સાથે જ સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. નીતિન ઢાંકેચા અને મનસુખ સરધારાની સામે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પોતાની પેનલ ઊભી રાખી હતી. રા.લો.સંઘની ચૂંટણીમાં ૪ ઓગસ્ટે ફોર્મ ભરાયા હતા. બાદમાં ૨૪ ઓગસ્ટે મતદાન અને ૨૫મીએ મતગણતરી કરવામાં આવી હતી. રાજકોટ લોધિકા સંઘની ૧૫ બેઠકની ચૂંટણી બીનહરીફ કરાવવા માટે કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ રૈયાણી અને ઢાંકેચા જૂથને સાથે બેસાડી સમાધાનના પ્રયાસો કરતા ૧૨ બેઠક બિનહરીફ થઇ હતી.
પરંતુ ૩ બેઠક માટે સમાધાન ભાંગી પડ્યું હતું. અને ચૂંટણી યોજવાની નોબત આવી હતી. રાજકોટ-લોધીકા સહકારી સંઘની ૧૫માંથી ૧૩ બેઠક બિનહરીફ થયા બાદ બાકી બચેલી ૩ બેઠકની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે મતદાન થયું હતું. તેમાં ૬ ઉમેદવાર સહિત ૧૩ મતદારોએ મતદાન કર્યું હતું. ૩ બેઠકોમાં ઢાંકેચા જૂથના લક્ષ્મણભાઈ સિંધવ, નરેન્દ્રભાઈ ભુવા અને ભપેન્દ્રસિંહ જાડેજા સામે રૈયાણી જૂથના પ્રવીણ સખીયા, કરશનભાઈ ડાંગર અને રઘુવીરસિંહ જાડેજા મેદાને પડ્યા હતા. જેમાં રૈયાણી જૂથે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)