હાર્દિક પટેલની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 5નાં ભાજપના મહિલા કોર્પોરેટર સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો

- વધુ 5 કોર્પોરેટરોનાં કોંગ્રેસમાં જોડાવાનો દાવો કરતા ભાજપમાં સોપો પડી ગયો
શા માટે રજૂઆતો કરવા છતાં સરેઆમ નિયમોનો ભંગ કરતા લોકો પર ફરિયાદ પણ નથી નોંધાતી ? પ્રજા મૂર્ખ નથી, લોકો પણ હવે જાગૃત થઈ ગયા છે
હાર્દિક પટેલ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ તેમજ પાટીદાર અનામત આંદોલનનાં પ્રણેતા હાર્દિક પટેલ રાજકોટની મુલાકાતે છે. અને અહીં આવતાની સાથે જ તેમણે મોટો ધડાકો કર્યો છે. હાર્દિક પટેલની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 5નાં ભાજપના મહિલા કોર્પોરેટર સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે. જેને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
આ તકે હાર્દિકે હજુ વધુ 5 કોર્પોરેટરોનાં કોંગ્રેસમાં જોડાવાનો દાવો કરતા ભાજપમાં સોપો પડી ગયો છે. આ તકે હાર્દિક પટેલે સીઆર પાટીલની રેલી તેમજ ભાજપ પાર આકરા પ્રહારો કર્યા હતા. અને સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, શું ભાજપનો ખેસ પહેરી લેવાથી નિયમો લાગુ નથી પડતા ? શા માટે રજૂઆતો કરવા છતાં સરેઆમ નિયમોનો ભંગ કરતા લોકો પર ફરિયાદ પણ નથી નોંધાતી ? પ્રજા મૂર્ખ નથી, લોકો પણ હવે જાગૃત થઈ ગયા છે. અને આગામી ચૂંટણીમાં ભાજપે કરેલા કૃત્યોનો જવાબ લોકો જરૂર આપશે તે આશા પણ હાર્દિકે વ્યક્ત કરી છે.
આ સાથે જ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર હોવાનો આક્ષેપ કરતા હાર્દિક પટેલે ભાજપનાં વધુ 5 કોર્પોરેટરો નજીકનાં દિવસોમાં કોંગ્રેસ સાથે જોડાવા જઈ રહ્યા હોવાનો મોટો દાવો પણ કર્યો છે. નોંધનીય છે કે સી.આર. પાટીલની રેલી બાદ ભાજપમાં રહેલો જૂથવાદ સપાટી પર આવ્યો હતો. અને ભાજપનાં જ અનેક નેતાઓમાં પાર્ટી પ્રત્યે અસંતોષની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે આજે મુખ્યમંત્રીનાં હોમટાઉન ખાતે ભાજપનાં કોર્પોરેટર સહિતના અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાતા અસંતોષ ખાળવામાં ભાજપનું નેતૃત્વ નિષ્ફળ રહ્યું હોવાનું રાજકીય દિગ્ગજો માની રહ્યા છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)