કડીના કોર્પોરેટરનું ગેરકાયદેસર બાંધકામ તોડાવવામાં નગરપાલિકા પાણીમાં બેઠી…!

- કડીના કોર્પોરેટરે ગેરકાયદેસર દૂકાનો તાણી બાંધી
કડી શહેરના મણીપુર વિસ્તારમા આવેલ મંત્રીશ્રી નિવાસ રોડ પર પાલિકાના કોર્પોરેટર સહિત ત્રણ શખ્સોએ ગેરકાયદેસર રહેણાંક મકાનો તોડીને દૂકાનો તાણી બાંધતા પાલિકા ત્રણ માસથી નોટીસ આપી કુંભ કર્ણની નિદ્રામા પોઢી ગઈ છે. શહેરના મણીપુર સ્થિત મંત્રીશ્રી નિવાસ રોડ પર પાલિકાના કોર્પોરેટર પારસ કર્ણિક, દેવિકાબેન રીતેશભાઈ કડીયા અને સોની જીતેન્દ્રભાઈએ રહેણાંક મકાનો તોડી પાડીને ગેરકાયદેસર રીતે પાલિકા દ્વારા મંજુર કરાયેલ પ્લાન વિરૂધ્ધ બાંધકામ કરેલ છે. રહેણાંક મકાનને તોડીને કોર્મશિયલ દૂકાનો તાણી બાંધતા સ્થાનીક લોકોમા રોષ ભભૂકી ઉઠ્યો છે.
રહેણાંક વિસ્તારમા દૂકાનો ધમધમતા ટ્રાફિકની રોજીદી સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પાલિકાએ ત્રણ માસ અગાઉ ગેરકાયદેસર બાંધકામ કરનાર કોર્પોરેટર સહિત ત્રણેયને નોટીસ ફટકારી દિન 07 મા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જણાવેલ તેમ છતા ગેરકાયદેસર બાંધકામ થયાવત રાખી દૂકાનોનુ વેચાણ કરી ગ્રાહકો સાથે છેતરપીંડી કરેલ છે.
પાલિકાના અધિકારીઓ નોટીસ આપી ભૂગર્ભ જતા રહેતા સ્થાનીક લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. પાલિકાએ નોટીસ ફટકારવા છતા કોર્પોરેટર પારસ કર્ણિક રાજકીય વગ ધરાવતો હોઈ મોટી મોટી ગુલબાંગો હાંકી મણીપુર વિસ્તારના સ્થાનીક લોકો સામે રોફ જમાવી રહ્યો છે. આગામી દિવસોમાં પાલિકા કોર્પોરેટર દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરશે કે નહી તે જોવુ રહ્યુ…..