ગીરનાર રોપ-વે થી 93 વર્ષના મંગળાબેને 40 વર્ષ બાદ અંબાજી માતાના દર્શન કર્યા

- સપને પણ ખ્યાલ ન હતો કે આટલી ઉંમરે અંબાજી માતાના દર્શન થશે – મંગળાબેન
જૂનાગઢ : જૂનાગઢ ગીરનાર ખાતે રોપ-વે ની સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાનો લાભ બાળકોથી લઇને વડિલો પણ લઇ રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં રહેતા ૯૩ વર્ષના મંગળાબેન ૪૦ વર્ષ બાદ રોપ-વે માં બેસી અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી છે.
૯૩ વર્ષના મંગળાબેને જણાવ્યું હતું કે, મારી ઉંમરમાં હું ગીરનાર પર ૫-૬ વખત જઇ આવી છું. પરંતુ ૫૩ વર્ષ પછી શરીર વૃધ્ધ થઇ જતા ગીરનાર જવાનું માત્ર સપનું જ રહી ગયું હતું. પરંતુ આ સપનું ગીરનાર રોપ-વે દ્વારા આજે સાકાર થઇ ગયું છે. પુત્ર અને પુત્રવધુ સાથે ગીરનાર રોપ-વેમાં બેસી માં અંબાના દર્શન કર્યા છે.
ગીરનાર પર્વત પર પહોંચતા જ જાણે સ્વર્ગ અને કાશ્મીરનો અનુભવ થયો હતો. આખુ જૂનાગઢ દેખાય છે. અંબાજીના દર્શન કર્યા પણ કયાંય ચાલવું પડ્યું નથી. સપને પણ ખ્યાલ ન હતો કે, આટલી ઉંમરે માતાજીના દર્શન થશે. પરંતુ ગીરનાર રોપ-વેના કારણે મારા જેવા તમામ વડિલોના સપના સાકાર થશે. મંગળાબેનના પુત્ર હરેશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, ઘણા વખતથી અંબાજી માતાજીના દર્શન કરાવવાની ઇચ્છા હતી.
જે ઇચ્છા રોપ-વે દ્વારા પૂર્ણ થઇ છે. આ રોપ-વે થી અનેક બાળકો અને મારી માં જેવા વૃધ્ધાઓને માતાજીના દર્શનનો લાભ મળી રહ્યો છે. રોપ-વેના માધ્યમથી માતાજીના દર્શન સાથે કુદરતી નજારો માણવા પણ મળે છે. ગત ૨૪ ઓક્ટોબરથી રોપ-વે સેવા શરૂ થયા બાદ ૧૯ હજારથી વધુ લોકોએ તેનો લાભ લીધો છે. ઉપરાંત યુવાનો એક વખત રોપ-વે સર્વિસમાં અને પરત પગથીયા ઉતરીને પણ ગીરનારના અદ્રિતીય કુદરતી સૌદર્યનો લ્હાવો લઇ શકે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ