7 મહિના બાદ વડોદરાનું કમાટીબાગ ઝૂ ખુલ્લુ મૂકાયુ

7 મહિના બાદ વડોદરાનું કમાટીબાગ ઝૂ ખુલ્લુ મૂકાયુ
Spread the love

વડોદરા શહેરના એક માત્ર ફરવા લાયક એવા કમાટીબાગને વડોદરા મહાનગરપાલિકા કોરોનાની મહામારીના કારણે બંધ કરવામાં આવ્યો હતો ને અનલોક-5માં મોર્નિંગ વોકર્સ માટે કમાટીબાગ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ છેલ્લા 7 મહિનાથી બંધ કમાટીબાગની આગવી ઓળખ ગણાતા ઝૂને આજથી શરૂ કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે ઝૂનો સમય સવારે 8થી 10 અને સાંજે 4 થી 5:30 સુધી રાખવામાં આવ્યો છે અને આ દરમિયાન સહેલાણીઓએ પશુ-પક્ષીઓને દૂરથી જ નિહાળવાના રહેશે.

પહેલા દિવસે સહેલાણીઓની પાંખી હાજરી જોવા મળી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વડોદરાની મધ્યમાં આવેલો કમાટીબાગ વડોદરાની આગવી ઓળખ છે. કોરોનાની મહામારીના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીની ગાઇડ લાઇન પ્રમાણે બંધ કરવામાં આવ્યો હતો. કોરોનાની મહામારીનો પ્રભાવ ઘટવા સાથે તબક્કાવાર કમાટીબાગ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રથમ કમાટીબાગમાં મોર્નિંગ વોકર્સ માટે ખુલ્લો મૂકાયો હતો.

ત્યાર બાદ 7 માસ બાદ આજે પ્રાણી સંગ્રહાલય ખુલ્લો મૂકવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે હાલમાં સવારે 8થી 10 અને સાંજે 4થી 5:30 ઝૂ ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી ખુલ્લા મૂકવામાં આવેલા ઝૂમાં સવારે સહેલાણીઓની પાંખી હાજરી જોવા મળી હતી. જોકે, ઝૂના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સાંજે 4થી 5:30ના સમયમાં વધુ સહેલાણીઓ આવે તેવી શક્યતાઓ છે.

કમાટીબાગમાં એશિયાનું સૌથી મોટું પક્ષી ઘર આકાર લઇ રહ્યું છે
ઝૂના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રાણી સંગ્રહાલય સ્થિત વાઘ, સિંહ સહિતના હિંસક પ્રાણીઓ માટે નવા પિંજરાનું કામ આખરી તબક્કામાં ચાલી રહ્યું છે. આથી હાલ તમામ હિંસક પ્રાણીઓને જૂના પિંજરામાં જ રાખવામાં આવી રહ્યા છે. આગામી ટૂંક સમયમાં હિંસક પ્રાણીઓ નવા પિંજરામાં વસવાટ કરશે. તેજ રીતે કમાટીબાગમાં એશિયાનું સૌથી મોટું પક્ષી ઘર આકાર લઇ રહ્યું છે. આ પક્ષી ઘરનું કામ પણ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. આગામી ટૂંક સમયમાં આ પક્ષી ઘર તૈયાર થઇ જશે. હાલમાં જૂના પક્ષી ઘરમાં જ પક્ષીઓને રાખવામાં આવ્યા છે.

સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ સહેલાણીઓને પ્રવેશની છૂટ અપાઇ
ઉલ્લેખનિય છે કે, તહેવારોમાં કમાટીબાગમાં વડોદરા શહેર સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ફરવા માટે ઉમટી પડે છે. સાંજના સમયે તો કમાટી બાગમાં કીડીયારું ઉભરાતું હોય તેવો માહોલ થઇ જાય છે. હાલમાં દિવાળીની રજાઓ ચાલી રહી હોવાથી કમાટીબાગમાં સહેલાણીઓની ભારે ભીડ થશે, ત્યારે કોરોનાની ચાલી રહેલી મહામારીમાં સંક્રમણ ન થાય તે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ સહેલાણીઓને છૂટ આપવામાં આવી છે. ઝૂના સત્તાવાળાઓ દ્વારા ઝૂના દરેક એન્ટ્રસની બહાર કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ સાવચેતી રાખતી સૂચનાઓના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

દિવાળીની રજાઓમાં પ્રાણી સંગ્રહાલય શરૂ કરાતા કમાટીબાગની રોનક ખીલી ઉઠશે
કમાટીબાગમાં પ્રાણી સંગ્રહાલય, પક્ષી ઘર, ક્રોકોડાઇલ પાર્ક, માછલી ઘર, મ્યુઝિયમ, ટોય ટ્રેન, જેવી અનેક વિધ ચિજવસ્તુઓ સહેલાણીઓને આકર્ષે છે, ત્યારે દિવાળીની રજાઓના સમયમાં જ પ્રાણી સંગ્રહાલય શરૂ કરવામાં આવતા કમાટીબાગની રોનક ખીલી ઉઠશે. આજે બપોર બાદ કમાટી બાગ સહેલાણીઓથી ઉભરાઇ જશે.

પત્રકાર :ઈરફાન શેખ ( પંચમહાલ )

IMG-20201115-WA0140-2.jpg IMG-20201115-WA0142-1.jpg IMG-20201115-WA0141-0.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!