સાવડી ગામે તરુણી પર દુષ્કર્મના બનાવના બંને આરોપીઓ પકડાયા

- મુખ્ય આરોપી ભાગિયા ધર્મેશ જાદવજી અને તેને મદદ કરનાર ગોસરા મનોજ હેમંતની અટકાયત, આરોપી ઉપર ચોમેરથી ફિટકાર
ટંકારાના સાવડી ગામે અવાવરુ જગ્યા પર પાણી ભરી રહેલ માસુમ 14 વર્ષની પિતા વગરની કિશોરી ઉપર બળજબરી કરી એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ નોંધાઈ હતી. ટંકારા પોલીસ મથકે હાલ પ્રોબેસ્નલ ASP તરીકે ફરજ બજાવતા અભિષેકે ગુપ્તાએ તાકીદે બનાવની ગંભીરતા સમજી આ કામે 376/114/અને પોસકો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે પોલીસે સાવડી ગામના આરોપી ભાગિયા ધર્મેશ જાદવજી અને કાળુ કામ કરવામા મદદ કરનાર ગોસરા મનોજ હેમંત બન્ને શખ્સોની અટક કરી છે. તેમજ કોરોના રિપોર્ટ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરવામાં આવશે. પિતા વગરની 14 વર્ષની કિશોરી માતાને ઘરકામમા મદદ કરાવવા માટે પાણી ભરવા શ્મશાન નજીક ગઈ હતી. ત્યારે એકલતા ભાળી આરોપીઓએ નજર બગાડી હતી. અને દુષ્કર્મ આચર્યું હતું.
પોતાની સાથે અજુગતું થતુ હોવાનુ જાણી કિશોરીએ બુમાબુમ કરતા આજુ-બાજુના લોકો દોડી આવ્યા હતા અને એ જોઈ આ નરાધમો દિવાલ ઠેકી ભાગ્યા હતા. આ વાત જાણી ભોગ બનનાર તરુણીની માતા પર આભ ટુટી પડ્યુ હતું. અને ટંકારા પોલીસને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી. આ કેસના આરોપીઓના અનેક કરતુત હોવાનું ગામલોકો પાસેથી જાણવા મળ્યું છે અને આવા કુત્ય કરનારને જાહેરમા સજા કરવાની માંગ સાથે ગામલોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. થોડા દિવસ પહેલાં જ 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાની શાહી સુકાઇ નથી. ત્યાં ફરી એક માસુમ બાળકી પર બળાત્કારની ઘટનાથી ટંકારામા ચકચાર મચી ગયો છે. અને સભ્ય સમાજમા અશોભનીય ઘટનાથી પોતાના સંતાનોને સમજાવવાની જવાબદારી માતા-પિતાએ નિભાવવાની વાત ચર્ચાના એરણે ચડી છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી