રાજકોટ : કાલાવડ રોડ મોટામવા સ્મશાનની સામે નવદુર્ગાપરામાં પોલીસ પર પથ્થરમારો

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે ગાંધીગ્રામ યુનિ.પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. દરમિયાન ગાંધીગ્રામ યુનિ.પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજાની ફરિયાદ પરથી ૪ મહિલા સહિત ૧૦ શખ્સો સામે ગુનો નોંધી નાશી છૂટેલ ૪ મહિલા સહિત ૬ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર પેટ્રોલીંગ દરમિયાન મોટામવા સ્મશાનની સામે નવદૂર્ગાપરા શેરીનં.૩માં અંકિત જયંતિ પરમાર નામના શખ્સે પોતાની ઓરડીમાં વિદેશીદારૂ ઉતાર્યો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન લોકોનું ટોળુ એકઠું થઈ પોલીસની ગાડી અને ખાનગી કાર ઉપર પથ્થરમારો કરી નુકશાન કરી પોલીસ સ્ટાફની ફરજમાં રૂકાવટ કર્યો હોય.
સિધ્ધાર્થ ઉર્ફે સીધલો મુકેશ વાઘેલા, ધર્મદીપ ઉર્ફે ધમો મુકેશ વાઘેલા, અંકિત જયંતિ પરમાર, રતિલાલ લાલજી વાઘેલા, તુલશી લાલજી વાઘેલા, હિરેન જયંતિ પરમાર, લક્ષ્મીબેન મુકેશ વાઘેલા, જયાબેન જયંતિ પરમાર, જયોતિબેન સિધ્ધાર્થ વાઘેલા, રંજનબેન, રતિલાલ વાઘેલા સહિત ૧૦ શખ્સો ઉપર ગુનો નોંધી ગાંધીગ્રામ પોલીસે સિધ્ધાર્થ ઉર્ફે સીધલો વાઘેલા અને તેના ભાઈ ધર્મદીપ ઉર્ફ ધમો મુકેશ વાઘેલા સહિત બંને બુટલેગર ભાઈની ધરપકડ કરી છે. ગાંધીગ્રામ પોલીસે દરોડા દરમિયાન સિધ્ધાર્થ ઉર્ફે સીધલો વાઘેલાની ઓરડીમાંથી રૂા.૧૨,૦૦૦ કિંમતનો ૨૭ બોટલ વિદેશીદારૂ, દારૂના ૨૦ ખાલી બોકસ, ૨૨ ખાલી બોટલ, મોબાઈલ અને બાઈક મળી રૂા.૫૭,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)