લાખણીમાં પાણી બાબતે ખેડુતોની નારાબાજી

લાખણી, દિયોદર, થરાદ અને શિહોરી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ધીમું છોડાતા 15 દિવસ થવા છતાં પાણી છેવાડાના ગામડાં સુધી ન પહોંચતા ખેડૂતોએ રોષ સાથે તાલુકા સેવાસદન ખાતે આવેદનપત્ર આપી રેલી યોજી કેનાલમાં જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. સુજલામ-સુફલામ કેનાલ લાખણી ઉપરાંત બનાસકાંઠાના દિયોદર ,થરાદ, શિહોરી વગેરે તાલુકામાંથી પસાર થાય છે. તેમજ આ તાલુકાઓના ભૂગર્ભ જળ પણ આ કેનાલ ઉપર આધાર રાખે છે. ત્યારે ખેડૂતોની માંગ ઉગ્ર બને ત્યારે શાંત પાડવા માટે તંત્ર દ્વારા બે ચાર દિવસ પાણી છોડી કોઈને કોઈ બહાને બંધ કરી દેવાય છે.
તાજેતરમાં શિયાળુ પાકને પાણીની જરૂરિયાત હોવાથી ખેડૂતો દ્વારા પાણી છોડાવવા માટે માગણી થતાં તંત્ર દ્વારા ચાંગા પંપીંગ સાઈટ ઉપર ફક્ત એક મોટર ચાલુ કરી 10 ડિસેમ્બરથી પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી 15 દિવસ થવા છતાં 20 થી 25 કિલોમીટર પણ પાણી ન પહોંચતા ખેડૂતો રોષે ભરાયા હતા. તેમજ ચાંગા પંપીંગ સાઈટ ઉપર વધુ મોટર ચાલુ કરી પાણી છોડાય તેવી માંગ કરી લાખણી તાલુકા સેવાસદન ખાતે શિહોરી, દિયોદર, લાખણી તેમજ થરાદના 200 જેટલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું. તેમજ કેનાલમાં જઈ જય કિસાનના નારા બોલાવ્યા હતા.