વડોદરાની SSG હોસ્પિટલમાં વેન્ટિલેટરના અભાવે દર્દી 4 કલાક સુધી 108ની એમ્બ્યુલન્સમાં કણસતો રહ્યો

એસએસજીમાં સર્જરી વિભાગમાં વેન્ટિલેટર બેડ ખાલી ન હોવાથી મૂળ ભરૂચના આમોદના એક દર્દી અને તેના પરિવારને 4 કલાક સુધી એસએસજી કેમ્પસમાં 108 એમ્બ્યુલન્સમાં જ સારવાર વિના ટળવળવાનો વારો આવ્યો હતો. સયાજીમાંથી પરિવારને ગોત્રી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં પણ વેન્ટિલેટર ન હોવાથી તેને એસએસજીમાં પરત મોકલાયો હતો. બપોરના 12.30થી 4.30 વાગ્યા સુધી દર્દી વેન્ટિલેટર બેડ ન ખાલી ન હોવાથી સયાજી અને ગોત્રી હોસ્પિટલ વચ્ચે 108 એમ્બ્યુલન્સમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો રહ્યો હતો.
મૂળે આમોદના પુળસાનો નાઝિમ રાઠોડ (ઉ.વ.28) 21 ડિસેમ્બરે ઓલપાડ નજીક બાઇક લઇને જતો હતો. દરમિયાન કોઇ ફોર વ્હીલરે ટક્કર મારતાં તેને પેટના ભાગે ઇજા થઇ હતી. તેને તેના મિત્રો ઓલપાડની સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યારબાદ ત્યાંથી તેને સુરત સરકારી હોસ્પિટલમાં રિફર ચિઠ્ઠી સાથે સુરત સિવિલમાં શિફ્ટ કરાયો હતો. નાઝિમના સસરા કાસમભાઇ રાજે જણાવ્યું કે, ‘ત્યાં સુરતની સીડ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી 108 બોલાવીને ભરૂચની ગુજરાત હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી હતી.
ત્યાં પણ તબિયત વધુ કથળતાં અટલાદરાની હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં તબીબોએ સિટી સ્કેન કરી જણાવ્યું કે, કિડનીમાં તકલીફ છે. ઇલાજમાં અહીં 1.25 લાખનો ખર્ચ થયો અને વધુ 5 લાખનો ખર્ચ તથા રોજના 30થી 35 હજાર ઇલાજના થશે, જેથી એસએસજીમાં લાવ્યા હતા.’ સાંજે 4.30 વાગ્યે ગામના લોકો અને સરપંચે નાણાકીય મદદનો સધિયારો આપતાં પરિવાર નાઝિમને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો.
108ના કર્મચારીએ કહ્યું ‘જલદી કરો, તબિયત સિરિયસ થઇ રહી છે’
બપોરના 12.30 વાગ્યાથી એસએસજીના તાત્કાલિક સારવાર વિભાગ ખાતે નાઝિમને 108 લઇ આવી હતી. તેને ઓક્સિજન સતત અપાતો હતો. તાત્કાલિક સારવારમાંથી દર્દીના પરિવાજનોને જવાબ અપાયો કે, સર્જરી વિભાગમાં વેન્ટિલેટર બેડ ખાલી નથી. છેવટે તેને 108માં ગોત્રી જીએમઇઆરએસ ખાતે લઇ જવાયો પણ ત્યાંય એ જ જવાબ 45 મિનિટ બાદ અપાતાં ફરી એસએસજી લાવ્યા હતા. 4-15 વાગેે 108ના કર્મચારીએ કહ્યું, ‘જલદી કરો તબિયત સિરિયસ થઇ રહી છે.’ ત્યારબાદ પરિવારે નવેસરથી પ્રયાસો શરૂ કર્યા હતા.
વર્ષોથી વેન્ટિલેટર બેડ વધતા નથી, સર્જરી વિભાગમાં 5 વેન્ટિલેટર બેડ
સર્જરી વિભાગમાં 5 વેન્ટિલેટર બેડ છે. અેક તબીબે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, સર્જરી વિભાગના આઇસીયુમાં વિવિધ વિભાગના દર્દીએસએસજી આવે છે. જ્યારે બેડની સંખ્યા પાંચ હોય ત્યારે સ્વાભાવિક છે કે નવા દર્દીને સમાવી શકાય અેમ હોતા નથી. એસએસજીમાં વર્ષોથી અન્ય વિભાગોમાં વેન્ટિલેટર બેડની સંખ્યા વધતી નથી.
ટ્રસ્ટની હોસ્પિટલો તપાસ વિના જ દર્દીને મોકલે છે
એસએસજીના તબીબના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલો મોટે ભાગે ક્યાં જગ્યા (બેડ) ખાલી છે તેની તપાસ કરાવી દર્દીને શિફ્ટ કરે છે. ટ્રસ્ટની હોસ્પિટલોના તબીબો સીધા દર્દીને સરકારી હોસ્પિટલોમાં જાએ એમ કહીને હાથ ખંખેરી લે છે.
પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )