મોદીએ 9 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ’ (પીએમ-કિસાન) સ્કીમ હેઠળ દેશના કુલ ૯ કરોડ ખેડૂત-પરિવારોના બૅન્ક ખાતામાં કુલ મળીને ૧૮,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ રકમ જમા કરાવી હતી. મોદીએ શાસક ભાજપ પક્ષ દ્વારા આયોજિત ખેડૂતો સાથેના વાર્તાલાપની એક ઇવેન્ટ દરમિયાન એક બટન દબાવીને ખેડૂતોના ખાતામાં આ રકમ ડિપોઝિટ કરાવી હતી. આ તમામ બૅન્ક ખાતા દેશમાં કુલ મળીને ૧૯,૦૦૦ સ્થળે આવેલા છે.
આ ખેડૂત-પરિવારો વડા પ્રધાનના સંબોધનને સાંભળી શકે એની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શુક્રવારે સદ્ગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી હતી. શાસક ભાજપ દ્વારા દર વર્ષે આ દિવસ ‘સુશાસન’ તરીકે ઉજવવામાં આવે છે. પ્રત્યેક ખેડૂત-પરિવારને દર વર્ષે કુલ ૬,૦૦૦ રૂપિયાનો આર્થિક લાભ સરકાર તરફથી મળે છે. આ રકમ ત્રણ હપ્તામાં અપાય છે અને શુક્રવારે એનો ૨,૦૦૦ રૂપિયાનો એક હપ્તો છૂટો કરાયો હતો. કેન્દ્ર સરકારે ખેડૂત વર્ગના લાભ માટે ત્રણ નવા કૃષિ કાયદા અપનાવ્યા છે, પરંતુ આ કાયદા સામે કેટલાક ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે.