ગાંધીનગર જનસેવા કેન્દ્રમાં સર્વર ઠપ : ચૂંટણીકાર્ડ માટે આવતા અરજદારોને ધરમધક્કા

આગામી સમયમાં તાલુકા પંચાયતથી લઈને મહાનગર પાલિકા અને પાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ચૂંટણીમાં મતદાર યાદી આખરી થાય તે પહેલાં મતદાર ઓળખ કાર્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવા મતદાર ઓળખ કાર્ડ લેવા માગતા કે તેમાં ફેરફાર કરાવવા માગતા નાગરિકો માટે કલેક્ટર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં સુવિધા ઊભી કરવામાં આવી છે. જોકે અરજદારોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસથી મતદાર ઓળખ કાર્ડની કામગીરી માટે ધરમધક્કા થઈ રહ્યાં છે.
જેમાં મોટાભાગે સર્વર ઠપ હોવાને કારણે કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદા અરજદારોને થોડા દિવસ પછી આવવા કહેવાયા છે. અનેક દિવસો સુધી આ ધક્કા ખાઈને કંટાળેલા અરજદારોએ આ મામલે વિરોધ નોંધાવતા સર્વર ઠપ હોવાનું લખાણ મૂકી દેવાયું હતું. કર્મચારી ફરજ પર હાજર હોય છે, પરંતુ સર્વર ઠપ હોવાના કારણે તેઓ કામગીરી કરી શકતા નથી તથા અરજદારોએ ધક્કા ખાવા પડે છે.
મતદારોની સુવિધા માટે શરૂ કરાયેલી કામગીરીના પગલે અડચણો ઊભી થઈ રહી છે ત્યારે જૂની પ્રથા મુજબ મતદાર ઓળખ કાર્ડને લગતી કામગીરી હાથ ધરવી જોઈએ તેવી અરજદારોની માંગણી છે.એક તરફ સરકાર તરફથી નવા મતદારોને સમયસર ચૂટણીકાર્ડ મેળવી લેવા અપીલ કરે છે ત્યારે બીજી તરફ આવી સમસ્યા છે.