મોરબી જિલ્લા કાઈમ ડાયરી

- ધરમપુર ગામે બે વર્ષ પહેલા ભરવાડ યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ
મોરબી નજીકના નવા ધરમપુર ગામે રહેતા ભાવેશ મંગાભાઈ રાવા જાતે ભરવાડ (ઉંમર 27) નામના અપરણિત યુવાનની બોથડ પદાર્થ મારીને 15/11/2018ના રોજ હત્યા કરવામાં આવી હતી. જે બનાવવામાં તાલુકા પોલીસની ટીમ દ્વારા દિલાવર કરીમભાઈ ચાવડા જાતે સંધિ (ઉંમર 35) રહે મૂળ શક્તિનગર વાંકાનેર હાલા રહે રાજકોટના પારેવડીચોક પાસે ગણેશ નગર-3ની ધરપકડ કરેલ છે. આરોપી દિલાવર સંધિની પત્ની સાથે મૃતક ભાવેશ મંગાભાઈને આડા સંબંધો હતા જે બાબતનો ખાર રાખીને દિલાવર સંધિએ પવન કુમાર વૈયા નામના શખ્સ સાથે મળીને ભાવેશની હત્યા કરી હતી આ બનાવમાં હાલમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય એક આરોપીને પકડવા તજવીજ ચાલુ છે.
- સર્કિટ હાઉસ સામેના ભંગારના ડેલામાથી 25 બોટલ દારૂ પકડાયો
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક ચોકડી પાસે આવેલ સર્કીટ હાઉસની સામેના ભાગમાં ભંગારના ડેલાની અંદર એલસીબી ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ભંગારના ડેલામાંથી કુલ મળીને 25 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 11,550 ની કિંમતના દારૂના જથ્થા સાથે અનવર મુસાભાઇ કુરેશી (ઉંમર 24) રહે ભાયવાળો, વાંકાનેર દરવાજા વાળાની ધરપકડ કરી છે અને બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાનું નામ ખુલેલ હોય તેને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરી છે.
- રાજપર પાસે જુગાર રમતા ચાર શખ્સ 23,100ની રોકડ સાથે પકડાયા
મોરબી રાજપર ગામ પાસે મેલડી માતાજીના મંદિર તરફ જવાના રસ્તા ઉપર કાંટાની વચ્ચે જાહેરમાં જુગાર રમતા મહેશભાઈ દેવશીભાઇ સનારીયા, પ્રવીણભાઈ પોપટભાઈ ઉઘરેજા, કાંતિલાલ દયાલજીભાઇ ભટ્ટી અને વિપુલભાઈ દિનેશભાઈ પરમાર જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 23100 ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- મીતાણા ગામનો યુવાન ઘરેથી નીકળ્યા બાદ ગુમ
ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતો વિપુલભાઈ ગણેશભાઈ ભાગીયા જાતે પટેલ (40) નામનો યુવાન ગત તા.7-1 ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઘરેથી બહાર નીકળ્યા બાદ પરત આવેલ ન હોય તેના પત્ની અંકિતાબેન વિપુલભાઈ ભાગીયાએ ટંકારા પોલીસમાં જાણ કરી હતી તેમનો ફોન સ્વીચઓફ આવતો હોય આજદિન સુધી તેનો પત્તો લાગ્યો ન હોય પરિવારે પોલીસને જાણ કરેલ છે. હાલ ટંકારા પોલીસ મથકના પ્રદીપભાઈ ગોહેલે તપાસ શરૂ કરી છે.
- કાલીકા પ્લોટમાં થયેલ અથડામણમાં વધુ ત્રણની ધરપકડ
શહેરના કાલીકા પ્લોટમાં રહેતા ડેનિસ કિશોરભાઈ કથરેચા જાતે મિસ્ત્રી (ઉમર 20) નામના યુવાને રમીઝ ઉર્ફે ટકો, જાવેદ ઉર્ફે મીટર, દાઉદ ઉર્ફે દાવલો, ઇમરાન મામદ પલેજા, અલી મામદ પલેજા અને ફરદીન દાઉદ પલેજા વિરુદ્ધ સામાપક્ષેથી રેશ્માબેન રહીમભાઈ ચાનીયા જાતે સંધિ (ઉંમર 27) રહે.કાલીકા પ્લોટ એ ત્યાં જ રહેતા ડેનીસ મિસ્ત્રી, અક્ષય મિસ્ત્રી અને રોહિત બાવાજી વિરુદ્ધ મારામારીની સામસામી ફરીયાદો કરી હતી. મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષોના કુલ મળીને ચારની અગાઉ ધરપકડ કરેલ હતી.
જેમા રહીમ ઉર્ફે ટકો વલીમામદ વીરમાણી રહે.સાયન્ટિફિક રોડ મસ્તાન ચિકન સામે કાલીકા પ્લોટ તેમજ જાહિદ અલીભાઈ પલેજા રહે. કાલીકા પ્લોટ મસ્જિદ વાળી શેરીને તેમજ સામેનાં પક્ષનાં ડેનિસ કિશોરભાઇ મિસ્ત્રી અને અક્ષય કીશોરભાઈ મિસ્ત્રી રહે.બંને કાલીકા પ્લોટ પવનસુત પાનવાળી શેરી નામના ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવેલ હતી જયારે ગઇકાલે પોલીસે વધુ ત્રણની ધરપકડ કરી છે જેમા દાઉદભાઈ ઉર્ફે દાવલો મામદભાઈ પલેજા (38) રહે.કાલીકા પ્લોટ શેરી નંબર પ, ફરદીનભાઈ દાઉદભાઈ ઉર્ફે દાવલો મામદભાઈ પલેજા (19) રહે.કાલીકા પ્લોટ શેરી નંબર-5 અને અલીભાઈ મામદભાઈ પલેજા (32) રહે.મોરબી કાલીકા પ્લોટ જુમાં મંજીદ પાસે નામમા ત્રણની ધરપકડ કરેલ છે.
- મજુર યુવાનનું મોત
વાંકાનેરમાં ઢુવા પાસે મિલેનિયમ સીરામીકમાં રહીને ત્યાં જ લેબર કવાટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કાળુભાઈ મનાભાઈ નાલવયા (ઉંમર 45) નામનો યુવાન તેની ઓરડીમાં સૂતો હતો દરમિયાન બેભાન હાલતમાં જ તેનું મોત નિપજ્યુ હતું.જેથી મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અહીં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આગળ તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરી હતી.
- પરિણીતાના આપઘાત કેસમાં એકના આગોતરા જામીન મંજૂર
મોરબીની પરિણીતાએ સાસરીયાના કરીયાવર માટેના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. જેમાં એ-ડીવીઝન પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જયારે એક મહિલા આરોપીએ આગોતરા જામીન અરજી કરતા કોર્ટે આરોપીને રૂા.25 હજારના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી તરફે મોરબી જિલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દિલીપભાઇ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, સુનિલ માલકીયા, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર રોકાયેલા હતાં.
- ઝેરી દવા પીતા સારવારમાં
મોરબી તાલુકાના નારણકા ગામે રહેતો ચિંતન ભીખાભાઈ મોરડીયા નામનો 23 વર્ષીય અપરિણીત યુવાન તેના ઘેર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે અહિંની મંગલમ હોસ્પિટલે ખસેડાયો છે. હોસ્પિટલ સત્તાવાળાઓએ પોલીસને જાણ કરેલી હોય હાલ કયા કારણોસર ચિંતન મોરડિયાએ ઉપરોક્ત પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી