મોરબીમાં એકસાથે ત્રણ દુકાનોના તાળા તોડી તરખાટ મચાવતા તસ્કરો

- સોનીની બે દુકાનો અને એક ગેરેજને નિશાન બનાવતા નિશાચરો
મોરબી: કડકડતી ઠંડી વચ્ચે મોરબીમાં તસ્કરો બેફામ બન્યા હોય એમ એક સાથે ત્રણ-ત્રણ દુકાનોના તાળાં તોડી નિશાચરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. મોરબી એસ.પી.કચેરીના અડધો કિલોમીટરની ત્રીજીયામાં આવતા શોભેશ્વર મેઈન રોડ પર આવેલી સ્વસ્તિક સિલ્વર હાઉસ નામની સોના-ચાંદીની દુકાનમાંથી એક તોલા સોનું અને 600 ગ્રામ ચાંદી તસ્કરો ઉસેટી ગયા છે. આ દુકાનની બાજુમાં આવેલા ખોડિયાર ગેરેજને પણ તસ્કરોએ નિશાન બનાવી હતી. જો કે, અહીંથી તસ્કરોને કોઈ લાભ થયો ન હતો. આ ઉપરાંત સો-ઓરડી મેઈન રોડ પર તુલજા ઝવેલર્સના તાળા તોડી તસ્કરોએ આશરે 150થી 200 ગ્રામ ચાંદી પર હાથ સાફ કર્યો હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે. ગત મોડી રાત્રે 3 નિશાચરો આવ્યા હોવાની પ્રાથમિક વિગતો હાલ મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સ્વસ્તિક ઝવેલર્સમાં લગાડવામાં આવેલા સી.સી.ટીવી. કેમેરા ચોરોએ ઉલ્ટા કરી નાંખ્યાં હતા અને બાદમાં આરામથી દુકાનમાં ઘુસ્યા હતા. અલબત્ત દુકાનમાં પ્રવેશતા ચોરો કેદ થયા હોય પોલીસે સી.સી. ટીવી. ફૂટેજ મેળવી નિશાચરોના સગડ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઉપરોક્ત બનાવમાં વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન તેઓને ઘટનાની જાણ થતાં દુકાન માલિકોને બનાવથી વાકેફ કરતા દુકાનદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કોરોના કાળમાં પોલીસ પેટ્રોલિંગ ચુસ્ત બનાવવામાં આવ્યું હોવાના દાવાઓ વચ્ચે દુકાનોના તાળા તૂટતા પોલીસ કામગીરી સામે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી