રસીને ભલે આવકાર : પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ પણ એક આધાર

રસીને ભલે આવકાર : પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ પણ એક આધાર
Spread the love
  • વિશ્વ આખાને ડરના રવાડે ભટકાવી ચીન પોતાની પરંપરાગત ચિકિત્સાને વળગી રહ્યું… સુશ્રાુત અને ચરકના વારસાથી સમૃદ્ધ આપણા દેશમાં આયુષ મંત્રાલયનું અસ્તિત્વ ઊભું કરનાર સરકાર છે, ત્યારે દેશની જનતાને તંદુરસ્ત સારવારના સુદૃઢ વિકલ્પોની અપેક્ષાનું હોવું સ્વાભાવિક…
  • જાહેર શૌચાલયનો ઉદ્દઘાટન સમારોહ અને સ્મશાન ભૂમિની ખાતમુહૂર્ત વિધિ જેવા વ્યંગ હવે કદાચ કવિઓ માટે અપ્રસ્તુત બની જશે… ગુજરાતમાં ૧૬૧ સ્થળે એકસાથે કોરોનાનાં રસીકરણનાં ઉદ્દઘાટનો જે શાનદાર રીતે થયાં છે.. રસીકરણની ઉત્સવરૂપે ઉજવણી નવો રાજકીય પ્રયોગ ગણાશે…
  • એકપણ વેક્સિન ૧૦૦% પરિણામલક્ષી નથી તેવું સ્વીકારતા વિશ્વ આરોગ્ય સંસ્થાનની દવા માફિયાઓ સાથેની સાઠગાંઠ ઘાતક છે જ… બેલારુસના પ્રમુખે જાહેર કરેલું નિવેદન ઉઁર્ંની પાપ ચેષ્ટાનો પુરાવો…

દેશમાં કોરોના વિરોધી રસીકરણનો પ્રારંભ થઈ ગયો છે. પહેલા તબક્કામાં પ્રથમ હરોળના ૩ કરોડ કોવિડ યોદ્ધાઓને આ રસી માટે અગ્રીમતાના ક્રમે નામાંકિત કરાયા છે. સિરમ ઇન્સ્ટી.-એસ્ટ્રાઝેન્કાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કો-વેક્સિન નામની બે સ્વદેશી કહી શકાય તેવી રસીના ડોઝ માટે પ્રાથમિકતા પ્રેરીત અગ્રતાક્રમ નિર્ધારીત થઈ ચૂક્યો છે.

અનુક્રમે રૂ. ૨૯૫ અને રૂ. ૨૧૦ની કિંમત વાળી રસી કોવિડ યોદ્ધાઓને વિનામૂલ્યે ઉપલબ્ધ થવાની છે. બંને કંપની પાસે સરખે હિસ્સે ઉપલબ્ધ થનારા ૩ કરોડ ડોઝ માટેની કિંમત રૂ. ૭૫૦ કરોડ થશે. રસીના ઉત્પાદકોને તેનું ચુકવણું ભારત સરકાર પીએમ કેર ફંડમાંથી કરશે. પહેલા તબક્કામાં રસી લેનાર ત્રણ કરોડ લાભાર્થીને બાદ કરીએ તો દેશની ૧૩૦ કરોડની આબાદીનું મુક્ત બજાર બીજા તબક્કામાં રસીના ઉત્પાદકો માટે ખુલ્લું થશે. સરકારને આપેલા દરે જ આ રસી ઉત્પાદકો ભવિષ્યમાં ખુલ્લા બજારમાં રસી વેચે તો પણ ૩૩૦૦૦ કરોડનો વેપાર ફક્ત ભારતમાં હાથવગો થશે.

આ સિવાયની બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓ પોતાની બ્રાંડ પ્રમાણે કિંમત લઈ બજારમાં ત્રાટકશે. જેનું આકલન હાલ શક્ય નથી. રસીકરણના મુદ્દે સરકારી ઉન્માદ રસીનાં આગમન જેટલો જ આવકાર્ય છે તેવી સ્પષ્ટતા સાથે ચલક-ચલાણી, પેલે ઘેર ધાણીની પ્રવર્તતી વિષમતા પર મૂળ મુદ્દાને કેન્દ્રમાં રાખી થોડી હટીને વાત કરવી છે. વિતેલા વર્ષને બાનમાં લેનારી કોરોનાની મહામારીનું ઉદ્દગમ સ્થાન ચાઇના એકમાત્ર આ વૈશ્વિક કટોકટીનું લાભાર્થી રાષ્ટ્ર રહ્યું છે. શરૂઆતથી ચાઇનીઝ ડ્રેગનની પ્રત્યેક હરકત ફક્ત ચીનને લાભ કરવાના ષડ્યંત્રનું સમર્થન કરનારી રહી છે.

શરૂઆતમાં ભયાનક વીડિયો વાયરલ કરવાથી લઈ માસ્ક, પીપીઈ કિટ, ફેસ શીલ્ડ અને સામાજિક દૂરીનું વ્યાપારીકરણ પ્રચલિત કરી ભયનું સામ્રાજ્ય સર્જવામાં ચીન સફળ રહ્યું. વિશ્વ ડરી ગયા બાદ ચીને કોરોના માટે હાઇડ્રોક્સિક્લોરોક્વિન, એઝિથ્રોમાઇસીન, ટોસીલીઝુમાબ અને રેમડ્સેવીર જેવી દવાઓની ભલામણ કરી હતી. સમગ્ર વિશ્વને આ બધી દવાઓનાં રવાડે ચઢાવી હોશિયાર ચીન પોતાની ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિનના શરણે જતું રહ્યું. ૨૦૦૨માં સાર્સની મહામારી આવી ત્યારે હોંગકોંગ-સિંગાપોરના ૧૮% મૃત્યુદર સામે બૈજિંગનો મૃત્યુદર ૫૨% પહોંચી ગયો હતો.

સેન્ગ જુ યીન પ્લસ યુ પીંગ ફેન્ગ સેનની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના સહારે માત્ર ૧૫ દિવસમાં આ મૃત્યુદર ઘટીને ૧% પર લાવવાનો સફળ અનુભવ ચીનને આ મહામારીમાં પણ કામ લાગ્યો. કોવિડ-૧૯ સર્વોચ્ચ પરાકાષ્ઠાએ હતો ત્યારે ૧૭ ફેબ્રુઆરીના રોજ પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે જાહેર કરેલો એક અહેવાલ કહે છે કે, કોરોનાના ૬૦,૧૦૭ દર્દીને TCMની સારવાર આપવામાં આવી જે કુલ કોરોનાગ્રસ્તો સામે ૮૫.૨૦% હતી. ૧ માર્ચ ૨૦૨૦ સુધી ૩૦૩ તબીબી પરીક્ષણો થયાં તે પૈકીનાં ૫૦ TCMની સારવારનાં હતાં.

સામ્યવાદી ચીન ફક્ત એટલું જ જાહેર કરે છે જેટલું તેના હિતમાં હોય. સાવ જુજ કહેવાય તેટલી ઉપલબ્ધ વિગતો એવું ફલિત કરે છે કે, ચાઇનાની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિની સફળતાનો દર ૯૦% નોંધાયો છે. આપણે ત્યાં સરકાર રસી સલામત હોવા વિશે વિશ્વસ્ત છે. રસીની આડ અસરોને લઈ થઈ રહેલા પ્રચારની ભ્રામકતા કે સત્યતાના કોઈ માપદંડ સુનિિૃત નથી. ગત રોજ નોર્વેમાં ફાઇઝરની રસી મુકાવ્યા બાદ ૨૩નાં મોતના સમાચાર અને મરેલા પૈકી ૧૩નાં મોતનું કારણ રસી હોવાનું પ્રસ્થાપિત થતાં સામાન્ય પ્રજામાં અજ્ઞાત ભયનું વ્યાપક બનવું સ્વાભાવિક છે. રસીની આડઅસર કે મૃત્યુ સામે રક્ષણ આપતો કાયદો આપણે ત્યાં હાલ અસ્તિત્વમાં નથી.

અહીં જનસામાન્યની આશંકાનંુ કારણ દવા માફિયાઓની બદનામ છબી છે. માહિતીના આ યુગમાં ગુગલના સર્ચ એન્જિન પર હેલ્થકેર ફ્રોડ લખો એટલે દવાના નામે થતા ગોરખધંધાની સિલસિલાબંધ વિગતોથી કમ્પ્યૂટરની સ્ક્રીન છલકાય છે. હાલ રસીની વાત છે એટલે ફક્ત ફાઇઝર કંપનીનો ઉલ્લેખ કરીએ તો ૨૦૦૯માં આ કંપનીએ અદાલતની બહાર ૨.૩ અબજ ડોલર ચૂકવીને સમાધાન કર્યું હતું. જે દવા માફીયાગીરીની અત્યાર સુધીની સૌથી મોટી માંડવાળી હોવાનું કહેવાય છે. સરકારી આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ૧.૧૯ અબજ ડોલરનો દંડ અને ૧૦.૫૦ કરોડ ડોલરની જપ્તીથી પણ ફાઇઝર કંપનીનો ભૂતકાળ ખરડાયેલો જોવા મળે છે.

પોતાની દવા લખવા માટે લાલચ આપવા બદલ એક તબીબે ફાઇઝર કંપનીનો ભંડાફોડ કર્યો હતો. આ કામ માટે સરકારે એ તબીબને ૧૦.૨૦ કરોડ ડોલરની રકમ ઇનામ તરીકે આપી હતી. ઇનામની રકમ કૌભાંડના કદને સમજવા માટે પર્યાપ્ત છે. આરોગ્યના મુદ્દે જગતની ઠેકેદારી રાખતા વિશ્વ આરોગ્ય સંસ્થાન પરનો ભરોસો પણ ડગમગેલો છે. કોરોના શરૂ થયો ત્યારથી ૧૨ વખત પોતાનાં નિવેદનો ફેરવી તોળવા બદલ WHOના કર્તાહર્તાઓએ કોઈ શરમ અનુભવી હોય તેવું જણાતું નથી. સંશોધનમાં સંલગ્ન વિજ્ઞાનીઓનો આધાર લઈ આ સંસ્થા રસીની મંજૂરી મુદ્દે વધુમાં વધુ અસરકારકતા ધ્યાનમાં રાખવાના પ્રયત્નની લૂલી વાત કરે છે.

ફાર્મા કંપનીઓ સાથે આ સંસ્થાનની સાઠગાંઠ પણ જગવિદિત છે. ૨૦૦૯માં સ્વાઇન ફ્લુની મહામારી વખતે વિશ્વની માફી માંગનાર આ સંસ્થાએ કોરોના સામે હાઇડ્રોક્સિક્લોરોક્વીન દવાને લઈ કરેલાં નિવેદનો કોઈ પોર્ન સ્ટાર અને કાલ્પનિક વિજ્ઞાન કથાના લેખક પ્રેરિત હોવાનું ભયંકર સત્ય વિશ્વ સામે ઉદ્દઘાટિત છે. તાજેતરમાં બેલારુસના પ્રમુખે કરેલું નિવેદન જણાવે છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા તેમને આર્થિક સહાય આપવા તો તૈયાર હતી પરંતુ એ માટે ઇટલી જેવા આકરા લોકડાઉનની શરત ઉપરાંત અર્થતંત્રની નીતિમાં ફેરફારનો આગ્રહ રખાયો હતો. બેલારૂસના પ્રમુખને આ શરતો રાષ્ટ્રવિરોધી જણાતાં તેનો અસ્વીકાર કરી સહાય જતી કરી હતી.

સુનિિૃત સારવાર વિનાના કોરોના સામે ભારતવાસીઓનો જંગ વિશ્વના અન્ય કોઇપણ દેશથી વધુ શૌર્યસભર છે. ૯૫% ચેપગ્રસ્તો કોરોનાને હરાવી પાછા રોજિંદા જીવનમાં કાર્યરત થઈ ગયા છેે. સરકારી ચોપડે નોંધાયા વિનાના કેટલાને કોરોનાનો ચેપ લાગ્યો અને મટી ગયો તેની કોઈ સત્તાવાર માહિતી ક્યાંય ઉપલબ્ધ નથી. ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદના ઔચિત્યને સાબિત કરવા બારડોલી નજીક આવેલ ઉમરાખ હોસ્પિટલનું દૃષ્ટાંત પ્રસ્તુત ગણાશે. જે.એસ. આયુર્વેદ નડિયાદના સ્નાતક અને વ્યારાના વતની એવા વૈદ્ય અતુલ દેસાઈએ આ હોસ્પિટલમાં આયુષ વોર્ડ સરકારની મંજૂરી લઈ કાર્યરત કર્યો.

ખૂબ ગંભીર કે તેથી નજીકના કહી શકાય એવા ૩૪ દર્દીઓને તેમણે દાખલ કરીને અને ૨૦૦૦ દર્દીઓને દાખલ કર્યા વિના સારવાર આપી. કાચી ડુંગળીની વરાળ પર કેન્દ્રિત આ સારવાર પદ્ધતિમાં ૧૦૦% પરિણામ સાથે એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી; જેનો રેકર્ડ સરકારને સુપરત કરાયેલો છે. ફરી એકવાર યાદ કરાવવું પડે કે ૧૩૩ કરોડના દેશમાં ૧.૦૫ કરોડ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા, જે પૈકી ૧,૫૧,૯૧૮નાં મોત થયાં, જે ટીબીના વાર્ષિક મૃત્યુદરથી નોંધપાત્ર રીતે ઓછા છે. સુશ્રાત અને ચરકથી સમૃદ્ધ આપણો આયુર્વેદ જગતની કોઈપણ ચિકિત્સા પદ્ધતિથી ક્યાંય ઊણું ઊતરે તેમ નથી. આયુષ મંત્રાલય કાર્યરત કરીને પોતાનો મનસૂબો જાહેર કરી ચૂકેલી સરકાર પાસે દેશને હજી ઘણી અપેક્ષા હોય એમાં કશું અજુગતું નથી.

અને છેલ્લે…

જાહેર શૌચાલયનો ઉદ્દઘાટન સમારોહ, અને સ્મશાન ભૂમિની ખાતમુહૂર્ત વિધિ જેવા વ્યંગ હવે કદાચ કવિઓ માટે અપ્રસ્તુત વિષય બની જશે… ગુજરાતમાં ૧૬૧ સ્થળે એકસાથે કોરોનાના રસીકરણનાં ઉદ્દઘાટનો જે શાનદાર રીતે થયાં છે… રસીકરણની ઉત્સવરૂપે ઉજવણી નવો રાજકીય પ્રયોગ ગણાશે…

[email protected]

15036386_1107543579292909_2346104771022986991_n.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!