ટંકારા : બંગાવડી ગામે દીપડા જેવું પ્રાણી દેખાતા વન વિભાગની ટીમ આવી હરકતમાં

- બે દિવસ સતત ફોરેસ્ટની ટીમના ગામમાં ધામાં રહેશે
ટંકારા: તાલુકાના બંગાવડી ગામે દીપડા જેવું પ્રાણી દેખાયા હોવાના વાવડ વચ્ચે વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે અને જે સ્થળે દીપડા જેવું પ્રાણી દેખાયું હોવાની વાત ફેલાઈ હતી એ સ્થળે પહોંચી તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ છે. ટંકારા તાલુકાના બંગાવડી ગામે દીપડા જેવું પ્રાણી જોવાનું ગ્રામીણો દ્વારા ચર્ચાતા અને સોશિયલ મીડિયામાં આ સંદર્ભના સમાચાર વહેતા થતા વન વિભાગની ટીમ ઉક્ત સ્થળે ઘસી ગઈ હતી. સ્થળ પર તલસ્પર્શી તપાસ કરતા વન વિભાગના અધિકારીઓએ કહેવાતા દીપડાના સગડ મેળવવા તેના પગના નિશાનને આધારે તપાસ હાથ ધરી હતી. જો કે પગના નિશાનો પરથી હજુ વન વિભાગ પણ સ્પષ્ટ નથી કે આ દીપડાના પંજાના નિશાન જ છે કે અન્ય કોઈ પ્રાણીના નિશાન છે.
આમ છતાં કોઈ જોખમ ન લેતા વન વિભાગ દ્વારા ગામમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે. જે બે દિવસ દરમ્યાન આસપાસના વિસ્તારોમાં સતત વોચ રાખી દેખાયેલું પ્રાણી દીપડો જ છે કે કેમ તે નક્કી કરશે. ફોરેસ્ટ ઓફિસર કુંડારીયા સાથેની વાતચીત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, સ્પષ્ટપણે હજુ પ્રાથમિક તબક્કે કહી શકાય નહીં કે જે પંજાના નિશાન છે તે દીપડાના જ છે. જો કે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ ગભરાવવાની જરૂર નથી. બે દિવસ દરમ્યાન ફોરેસ્ટની ટીમ ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં સતત વોચ રાખશે. આ દરમ્યાન કોઈ અજુગતો બનાવ બને તો આગળની કાર્યવાહી કરવા ટીમ સજ્જ છે તેવો વિશ્વાસ ગ્રામજનોને ફોરેસ્ટ ઓફિસરે અપાવ્યો હતો.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)