હળવદમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી GIDC વિસ્તારમાં સાત ઝુંપડા બળીને ખાખ

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઝૂંપટપટ્ટીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આજે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ આગમાં સાત જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા. જેથી શ્રમિકોની તમામ ઘરવખરી આગમાં નાશ પામી હતી. જીઈબીના કોન્ટ્રાક્ટરએ ઘાસ સળગાવતા આ આગની દુર્ઘટના બની હતી અને ગરીબોનો આશરો છીનવાઈ જવાની સાથે મજૂરી કરીને બચત કરેલા પૈસા પણ આગમાં બળીને ખાખ થઈ ગયા.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જીઆઇડીસી વિસ્તારમાં કેટલાક મજૂરો ઝુંપડા બાંધીને રહી મીઠાની મજૂરી કામ કરે છે ત્યારે આજે સવારે આ ઝૂંપટપટ્ટીમાં રહેતા મજૂરો મીઠાનું મજૂરી કરવા ગયા હતા. ત્યારે પાછળથી જીઇબીના કોન્ટ્રાક્ટરે હળવદના જીઆઇડીસી વિસ્તારમાં વીજ સબ સ્ટેશન પાસે ઘાસ સળગાવ્યું હતું. આથી આ આગનો તણખલો બાજુની ઝૂંપટપટ્ટીમાં પડતા જ ઝુંપડા ભડભડ સળગવા લાગ્યા હતા. આ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા સાતેક ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા. આગની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે આવી પહોંચતા પાણીનો મારો સતત ચલાવ્યો આગને કાબુમાં લીધી હતી.