કલોલ પાલિકા પ્રમુખના પતિ તેમજ કાઉન્સિલરે નશામાં ઝઘડો કર્યાની રાવ

કલોલ પાલિકાના પ્રમુખના પતિ અને કાઉન્સિલરે મળી નશામાં ઝઘડો કર્યાના આક્ષેપ સાથે આ બે લોકો સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જેમાં કલોલ પૂર્વના રહીશે કલોલ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઇ પટેલ તેમજ કાઉન્સિલર મનુભાઈ ચૌધરી સામે જાતિ વિષયક શબ્દો બોલવા અંગે આક્ષેપો કર્યા છે જેના કારણે ચકચાર મચી જવા પામી છે.
આ અંગે રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલા ગોકુલનગર સોસાયટીમાં રહેતા હિતેષ દિનેશભાઈ પરમારે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં થયેલા દાવા પ્રમાણે 20 માર્ચે સાંજના સુમારે તેમના મિત્રો સાથે ટેક્નિકલ સ્કૂલ હાઈવે પર બેસવા ગયા હતા. જયાં તેમના દિવ્યાંગ એવા મિત્ર ભાનુભાઈનો ગલ્લો બ્લોક લગાવાના કારણે ખસેડાયો હતો, તે ગલ્લો યુવકો પરત મુકતા હતા.
આ વખતે પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલના પતિ મુકેશભાઈ પટેલ તેમજ કાઉન્સિલર મનુભાઇ ચૌધરી ત્યાં આવ્યા હતા. તેઓએ ગલ્લો અહીં કેમ મુકેલ છે કહીં માથાકુટ કરતા ફરિયાદી યુવક વચ્ચે પડતાં બંનેએ જાતિ વિષયક શબ્દો બોલ્યા હોવાનો દાવો યુવકે કર્યો છે.
યુવકના દાવા પ્રમાણે આ બંને લોકો દારૂ પીધેલી હાલતમાં હતા અને જેઓએ દિવ્યાંગ ભાનુભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. જેને યુવક વચ્ચે પડતાં મુકેશ પટેલે ખિસ્સામાંથી ચપ્પુ કાઢી બંનેએ મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે કલોલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.