ગાંધીનગરમાં કોરોનાના નવા 31 કેસ નોંધાયા

ભાટ, કુડાસણ, રાયસણ, પેથાપુરમાં વધુ 11 કેસ સાથે મનપા વિસ્તારમાંથી કુલ 27 કેસ
સંક્રમિતોમાં શિક્ષક, કેશિયર, ગૃહિણી, અને વેપારી સહિતનો સમાવેશ
સિવિલ હોસ્પિટલમાં તબિબો સહિત સ્ટાફની રજા મંજૂર નહીં થાય
જિલ્લામાં નવા કોરોનાના 31 કેસ સાથે કુલ કેસનો આંકડો 8534એ પહોંચ્યો છે. તેમાં મનપા વિસ્તારમાંથી સૌYથી વધુ 16 સેક્ટરોમાંથી નોંધાયા છે. જ્યારે મનપામાં સમાવેશ નવા ગ્રામ્ય વિસ્તારો ભાટ, કુડાસણ, રાયસણ, પેથાપુરમાંથી વધુ 11 કેસ સાથે મનપા વિસ્તારમાંથી કુલ 27 કેસ થાય છે. જ્યારે 4 કેસ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયા છે. સારવાર દરમિયાન 75 વર્ષીય મહિલાનું મોત થતાં કુલ આંકડો 607એ પહોંચ્યો છે. કોરોનાની સામે જંગ લડી રહેલા વધુ 14 દર્દીઓએ સાજા થતાં કોરોનામુક્તનો આંકડો 7619એ પહોંચ્યો છે. સંક્રમિતોમાં શિક્ષક, કેશિયર, ગૃહિણી, વેપારી સહિતનો સમાવેશ થાય છે.
સંક્રમિત દર્દીઓને સારવાર લઈ રહ્યાં છે. દર્દીના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિને ઉપરાંત તેમના પરિવારજનોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. નોંધનીય વાત છે કે, રવિવારે માણસામાં એકેય કેસ નહીં નોંધાતા રાહત થઈ હતી. આ ઉપરાંત એક તરફ મહાનગરપાલિકાની ચૂંટણી તારીખ જાહેર થઈ છે, ત્યારે રવિવારે નોંધાયેલા કેસમાં સૌથી વધુ 16 કેસ મનપા નોંધાવા પામ્યા છે.