ગાંધીનગર જીઈબીનાં કર્મચારીએ કેન્સરની બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું

ગાંધીનગર જીઈબીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા 47 વર્ષીય કર્મચારીએ મોઢાના કેન્સરની બીમારીથી કંટાળીને પોતાના ઘરે દોરડા વડે ગળે ફાંસો ખાઈ મોત વહાલું કરી લેતાં ચકચાર મચી છે. ઘટના અંગે સેક્ટર-21 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ગાંધીનગર જીઈબી કોલોની ટાઈ 5-4 મકાન નંબર 4/2 માં રહેતા 47 વર્ષીય અનિલસિંહ રાણાનાં પરિવારમાં પત્ની સોનલબેન તેમજ બે દીકરીઓ છે. અનિલસિંહ રાણા જીઈબીમાં હેલ્પર તરીકે કાયમી નોકરી કરતા હતા.
આશરે એકાદ વર્ષ અગાઉ અનિલસિંહને મોઢાના કેન્સરની બીમારીનું નિદાન થયું હતું. અચાનક પરિવારના મોભી ઉપર કેન્સરની બીમારીએ ઘર કરી લેતા પરિવારના સભ્યો ચિંતિત થઈ ગયા હતા. અનેક તબીબો સાથે પરામર્શ કર્યા બાદ ડોક્ટરે તેમને ઓપરેશન કરાવવાનું કહ્યું હતું. જોકે, અનિલસિંહે આયુર્વેદિક દવા છેલ્લા ઘણા સમયથી શરૂ કરી હતી.
એકાદ વર્ષથી કેન્સરની બીમારીની સારવાર કરાવતા અનિલસિંહ પણ નાસીપાસ થઇ ગયા હતા. તેમની મોટી દીકરીના સગપણની વાતો ચાલતી હોવાથી તેમના પત્ની દીકરીઓ સાથે ખરીદી કરવા માટે બજાર ગયા હતા. તે વખતે એકલતાનો લાભ લઇ અનિલસિંહે પોતાના ઘરે બાજુના રૂમમાં પંખે દોરડું બાંધીને ગળાફાંસો ખાઇ મોત વહાલું કરી લીધું હતું.