ચૈત્રી નવરાત્રી..ચોથા નોરતે માતા કૂષ્માણ્ડાની ઉપાસના

ચૈત્રી નવરાત્રી..ચોથા નોરતે માતા કૂષ્માણ્ડાની ઉપાસના
Spread the love

ચૈત્રી નવરાત્રી..ચોથા નોરતે માતા કૂષ્માણ્ડાની ઉપાસના

સૂરાસંપૂર્ણકલશં રૂધિરાપ્લુતમેવ ચ
દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે..

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના ચોથા દિવસે જેની ઉપાસના કરવામાં આવે છે તે માતા કૂષ્માંડાના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં નવા જીવને જન્મ આપવા ગર્ભ ધારણ કરનારી સ્ત્રી કૂષ્માંડા સ્વરૂપ છે.

ર્માં દુર્ગાજીના ચોથા સ્વરૂપનું નામ કૂષ્માણ્ડા છે.પોતાની મંદ હલ્કા હાસ્યના દ્વારા અંડ એટલે કે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કૂષ્માણ્ડા દેવી કહેવામાં આવે છે.જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ચારે તરફ અંધકાર પરીવ્યાપ્ત હતો ત્યારે આ દેવીએ પોતાના ઇષત્ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી એટલે સૃષ્ટિના આદિ-સ્વરૂપા,આદિ-શક્તિ કહેવાય છે.તેમનો નિવાસ સૂર્યમંડળના અંદરના લોકમાં છે.સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ ફક્ત તેમનામાં જ છે.તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્ય સમાન દેદીપ્યમાન અને ભાસ્વર છે.અન્ય કોઇ દેવી-દેવતા તેમના તેજની તુલના કરી શકતાં નથી.બ્રહ્માંડની તમામ વસ્તુઓ અને પ્રાણીઓમાં અવસ્થિત તેજ તેમની જ છાયા છે.કૂષ્માંડાનો અર્થ થાય છે જેના ચરણોમાં સમગ્ર સંસાર રહેલો છે.ર્માં આદ્યશક્તિના આ સ્વરૂપમાંથી જ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું છે તેમની પૂજા કરવાથી દરેક પ્રકારના રોગ અને શોકનો નાશ થાય છે.કૂષ્માંડા એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે કુમ્હડા એટલે કે કોળાની બલી આપવી.

ર્માં કૂષ્માણ્ડાને આઠ હાથ છે એટલે તે અષ્ટભૂજા દેવીના નામથી વિખ્યાત છે.તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડલ ધનુષ્ય-બાણ કમળનું પુષ્પ અમૃતપૂર્ણ કલશ ચક્ર તથા ગદા છે.આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓ આપનાર જપમાળા છે.તેમનું વાહન સિંહ છે.

નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડા દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત હોય છે એટલે આ દિવસે અત્યંત પવિત્ર અને અચંચળ મનથી માતા કૂષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા-ઉપાસના કરવી જોઇએ.માતા કૂષ્માંડા દેવીની ઉપાસનાથી ભક્તના તમામ રોગ-શોક વિનષ્ટ થઇ જાય છે.તેમની ભક્તિ કરવાથી આયુષ્ય બળ યશ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે.માતા કૂષ્માંડા દેવી અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે.જો મનુષ્ય સાચા હ્રદયથી તેમની શરણાગતિ સ્વીકારે છે તેમને અત્યંત સુગમતાથી પરમપદની પ્રાપ્તિ થાય છે.

શાસ્ત્રો-પુરાણોમાં જે વિધિ-વિધાનનું વર્ણન કરેલ છે તે અનુસાર ર્માં દુર્ગાની ઉપાસના અને ભક્તિ કરવાથી સાધકને તેમની કૃપાનો સુક્ષ્મ અનુભવ થવા લાગે છે.દુઃખરૂપ સંસાર તેના માટે સુખદ અને સુગમ બની જાય છે.માતાજીની ઉપાસના મનુષ્યને સહજભાવથી ભવસાગરથી પાર ઉતરવા માટે સૌથી સુગમ અને શ્રેયસ્કર માર્ગ છે.માતા કૂષ્માંડા દેવીની ઉપાસના મનુષ્યને આધિ-વ્યાધિ અને ઉપાધિથી મુક્ત કરી તેમને સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ તરફ લઇ જાય છે એટલે પોતાની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ ઇચ્છનારે તેમની ઉપાસનામાં હંમેશાં તત્પર રહેવું જોઇએ.આ દિવસનો રંગ નારંગી છે જે ભક્તોને ઉત્સાહ આપે છે.
યા દેવી સર્વભૂતેષુ મા કુષ્માંડા રૂપેણ સંસ્થિતા,નમસ્તેસ્યૈ નમસ્તેસ્યૈ નમસ્તેસ્યૈ નમો નમઃ

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!