મોરબીમાં 48 કલાકમાં કોરોના ટેસ્ટિંગ લેબ શરૂ કરાશે : મુખ્યમંત્રી રૂપાણી

મોરબીમાં 48 કલાકમાં કોરોના ટેસ્ટિંગ લેબ શરૂ કરાશે : મુખ્યમંત્રી રૂપાણી
Spread the love
  • મોરબીની એકંદરે પરિસ્થિતિ નિયંત્રણમાં ગણાવતા મુખ્યમંત્રી : સિવિલમાં તાબડતોબ જરૂરી સ્ટાફ મુકાશે

મોરબી : મોરબીમાં કોરોનાની ખતરનાક વિસ્ફોટક સ્થિતિ જોતા ખુદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે દોડી આવ્યા બાદ વર્તમાન સ્થિતિની સ્થાનિક અધિકારીઓ સાથે દોઢ કલાક સુધી સમીક્ષા કરી તાબડતોબ 48 કલાકમાં જ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરવા નિર્ણય લીધો હોવાનું પત્રકાર પરિષદમાં જાહેર કરી જિલ્લાના તમામ પીએચસી અને સીએસસી સેન્ટરની મદદથી 15-15 બેડની સુવિધા ઉપલબ્ધ બનાવી વધારાના 500 બેડની સુવિધા કોરોનાના માઈલ્ડ દર્દીઓ માટે ઉભી કરવામાં આવશે તેમ ઉમેરી મોરબી જિલ્લાની પરિસ્થિતિ એકંદરે નિયંત્રણમાં હોવાનું જાહેર કરતા થોડું આશ્ચર્ય પણ સર્જાયું છે.

જો કે મુખ્યમંત્રીના કાફલાએ સિવિલની મુલાકાત ન લેતા જમીની હકીકત તેઓ સુધી પહોંચી શકી નથી. મોરબીની મુલાકાતે આવેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ,આરોગ્ય સચિવ જયંતિ રવિએ મોરબીના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્યો, પાલિકા પ્રમુખ, કલેકટર, અધિક કલેક્ટર, રેન્જ આઈજી, એસપી, જિલ્લા ભાજપ પ્રમુખ,જિલ્લા આરોગ્ય અધિકારી, સહિતના 19 જેટલા અધિકારી, પદાધિકારીઓ સાથે બેઠક યોજી પ્રવર્તમાન સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો અને આ બેઠક બાદ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં અનેક વિધ જાહેરાત કરી હતી.

જેમાં સૌથી અગત્યની બાબત રૂપે આગામી 48 કલાકમાં જ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને અન્ય સ્ટાફની અછત દૂર કરવા સાંજ સુધીમાં તબીબી ટીમને મોકલવા સરકારે નિર્ણય કર્યો હોવાનું જાહેર કર્યું હરું. વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરકાર કોઈ આંકડા છુપાવતી ન હોવાનું જણાવી હાલમાં ટેસ્ટિંગ,ટ્રીટમેન્ટ અને ટ્રેસીંગ એમ ત્રણ ટી ઉપર સરકાર કામ કરી રહી હોવાનું ઉમેરી મોરબીમાં હાલમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલ મળી કુલ 900 બેડની સુવિધા ઉપલબ્ધ હોવાનું તેમજ કોરોના ટ્રીટમેન્ટ માટે નાના કલીનીકો અને નાની હોસ્પિટલને પણ મંજૂરી આપવામાં આવશે તેમ જણાવી મોરબીમાં પાટીદાર કોવિડ કેર સેન્ટર જેવી સંસ્થાકીય સેવાઓને બિરદાવી હતી.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોરબીની હાલની સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવી ટેસ્ટિંગ વધારવા ઉપર ભાર મુક્યો હતો સાથે સાથે જિલ્લામાં આવેલ 35 પીએચસી અને સીએચસી સેન્ટરની દેખરેખમાં સમાજની વાડીમાં ઓછામાં ઓછા 15-15 બેડની કોરોનાના માઈલ્ડ દર્દીઓ માટે સારવાર ઉપલબ્ધ કરવાની સાથે હળવદ અને વાંકાનેરમાં પણ સંસ્થાઓની મદદથી કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.

અંતમાં મુખ્યમંત્રીએ મોરબી જિલ્લાને ગઈકાલે 700 રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ફાળવ્યો હોવાનું અને આવતીકાલે વધુ 700 રેમડેસીવીર ઇન્જેક્શન મોકલાશે તેમ જણાવી લોકને રેમડેસીવીર ઇન્જેક્શન માટે ખોટો આગ્રહ ન રાખી ડોક્ટર જણાવે તો જ ઇન્જેક્શન લેવા ઉપરાંત રેમડેસીવીર ઇન્જેક્શનની આડઅસર રૂપે કિડની અને લીવર ડેમેજ થતા હોવાનું પણ ભાર પૂર્વક જણાવ્યું હતું.જો કે મુખ્યમંત્રી અને તેમના કાફલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત ન લેતા મોરબીની હકીકત તેઓ સુધી પહોંચી શકી ન હોવાનું સ્પષ્ટ બન્યું છે.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

IMG-20210409-WA0012-1.jpg IMG-20210409-WA0010-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!