લીલીયાના લોકા ગામના 103 વર્ષીય વૃદ્ધાએ કોવીડ-19 વેક્સીન લીધી

- અમરેલી જિલ્લામાં રસીકરણની કામગીરી મિશન મોડમાં : ૪૫ થી વધુ વયજૂથના લોકોને વેક્સીન લેવા તંત્રની અપીલ
કોરોનાની મહામારીમાં પોતે અને પરિવારને સુરક્ષિત કરી સરકાર અને કર્મયોગીઓના રસીકરણના સેવા યજ્ઞને સાર્થક કરવા સમગ્ર અમરેલી જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી મિશન મોડમાં ચાલી રહી છે ત્યારે અમરેલીના લીલીયા તાલુકાના લોકા ગામે ૧૦૩ વર્ષીય વૃદ્ધાએ વેક્સીન લઇ અન્ય લોકોને પ્રેરણા આપી હતી. લીલીયાના ઇન્ચાર્જ મામલતદાર હેમાંગ સિદ્ધપરા આ અંગે વધુ વાત કરતા જણાવે છે કે લીલીયાના લોકા ગામના ઉપસરપંચે પોતાના ૧૦૩ વર્ષીય દાદીમાં ફુલબાઈબેન જીવરાજભાઈ વાડદોરીયાને કોવીડ-૧૯ પ્રતિરોધક વેક્સીન અપાવી અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે.
વધુમાં મામલતદારે ઉમેર્યું હતું કે રસી એકદમ સુરક્ષિત છે અને રસી લેવાથી કોઈ પ્રકારની આડઅસર નથી અને કોરોનાની ગંભીર અસરથી પણ રક્ષણ મળે છે. કોરોના સામે પ્રતિકાર કરી શકાય છે. સમગ્ર અમરેલી જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તેમજ સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનોએ પણ રસી મુકાવી છે. લોકોના સહયોગથી અમરેલી જિલ્લો રસીકરણની કામગીરીમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યો છે ત્યારે આ ઝુંબેશમાં સહભાગી થવા ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકોને અપીલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે. એચ. પટેલના માર્ગદર્શન અને સંકલનમાં આ કામગીરી લોકોના અને સંસ્થાઓના સહયોગથી પુરજોશમાં આગળ ધપી રહી છે. અમરેલીના વિવિધ રસીકરણ કેન્દ્રોમાં ૪૫ વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણની કામગીરી ચાલુ છે તો દરેકને વહેલામાં વહેલી તકે વેક્સીન લઇ લેવા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
રિપોર્ટ : નિલેષ પરમાર