લાલપુરના અપિયા ગામના યુવાને પત્ની રિસામણે જતાં જીવતર ટૂંકાવ્યું

- લાગી આવતા ભર્યું પગલું
લાલપુર તાલુકાના અપીયા ગામે રહેતા એક યુવાને ચાંદીગઢ નજીક મંદિર પાસે શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી આયખું ટુંકાવી લીધું હોવાનો બનાવ બહાર આવ્યો છે. થોડા સમય પુર્વે લગ્ન બાદ આણુ વાળી પત્ની રીસામણે જતા રહેતા માઠુ લાગતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના અપીયા ગામે રહેતા મહેશ મંગાભાઇ પરમાર (ઉ.વ. 35) નામના યુવાને ગત તા. 16ના રોજ સવારે સાડા દશ વાગ્યાના સુમારે ચાંદીગઢ ગામ નજીક માતાજીના મંદિર પાસે શરીરે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી જીવન ટુંકાવી લીધું હોવાનો બનાવ બહાર આવ્યો છે.
આ બનાવની મૃતકના પિતા મંગાભાઇ આલાભાઇ પરમારએ જાણ કરતા લાલપુર પોલીસની ટીમ દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો અને મૃતક યુવાનના પરીજનનુ નિવેદન નોંધ્યુ હતું. જેમાં મૃતકના લગ્ન થયા બાદ બે-ત્રણ દિવસ પછી તેમની પત્નીનુ આણુ તેડાવી લીઘુ હતું ત્યારબાદ તેમના પત્ની માવતરે રીસામણે જતા મનમાં લાગી આવતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે. આ સમગ્ર બનાવ મામલે વધુ તપાસ લાલપુર પોલીસે હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ મૃતક યુવાનના તાજેતરમાં જ લગ્ન થયા હતા. જ્યારે મૃતક યુવાન ઘરેથી કોઈ કામનું કહીને નીકળ્યા બાદ લાલપુર નજીક પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો જ્યાંથી એક લીટર પેટ્રોલની ખરીદી કર્યા બાદ નજીકમાં જ આવેલા ચાંદીગઢ ગામ પાસેના માતાજીના મંદિર પાસે પહોંચી જઈ આત્મઘાતી પગલું ભરી લીધાનું જાહેર થયું છે.
– રોહિત મેરાણી (જામનગર)