ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ ભાજપના મહામંત્રીએ કોરોનાને માત આપી

ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે શરૂ થયેલ કોવિડ સેન્ટરમાં દાખલ થનાર સૌ પ્રથમ દર્દી ડભોઇ શહેર ભાજપના મહામંત્રી અમિતભાઇ સોલંકી ને કોરોના માં થી મુક્તિ મળતા રજા આપવામાં આવી હતી. કોરોના પેશન્ટને ડભોઇમાં જ સારવાર મળી રહે તે આશયથી ડભોઇ આરોગ્ય વિભાગ તેમજ ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના સહયોગથી ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની સુવિધા સહિત કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી હતી.
જ્યાં પ્રથમ દિવસે જ ભારતીય જનતા પાર્ટીના ડભોઇ શહેરના મહામંત્રી અમિતભાઇ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા. જેઓએ પાંચથી છ દિવસની સારવાર બાદ કોરોનાને માત આપી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી તેઓને રજા આપવામાં આવી હતી. ભાજપના મહામંત્રીને હોસ્પિટલમાંથી રજા મળતા ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સહિત ભાજપના હોદેદારો ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં રજા મળતા પોતાના વોર્ડમાંથી બહાર નીકળતા જ તમામ હાજર લોકો દ્વારા અમિતભાઈનું તાળીઓ પાડી સ્વાગત કર્યું હતું.