ગાંધીનગર શહેરમાંથી 1 અને જમીયતપુરાથી 2 શખ્સ દારૂ સાથે ઝડપાયા

એલસીબી પીઆઈ જે. જી. વાઘેલાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહને દારૂના વેચાણ અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સેકટર-28માં આવેલ બનાસકાંઠા સોસાયટીમાં રહેતા સંતોષ દલાભાઈ મકવાણાના ઘરે રેડ કરી હતી. રેડ કરતાં ઘરના રસોડામાં સંતાડેલ દારૂની 66 બોટલો મળી આવી હતી. જેને દારૂ અંગે પૂછતાં અમિત ચૌધરી નામનો શખ્સ અઠવાડિયા પહેલાં દારૂ આપી ગયો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી.
જેને પગલે પોલીસે 27,800નો દારૂ અને ફોન મળીને 32,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીએ બંને શખ્સો સામે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. બીજી તરફ અડાલજ પોલીસે જમિયતપુરા કટ પાસે રીક્ષામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અડાલજ પોલીસના સ્ટાફ કલોલ બાજુથી આવતી સીએનજી રીક્ષા ઝડપી પાડી હતી. જેમાં રીક્ષા ડ્રાઈવર વિનોદ ગોપાલભાઈ પટણી (રહે.કલોલ પૂર્વ) તથા રાજા ધરમદાસ કેશવાણી (રહે.કલોલ) મળી આવ્યા હતા.
પોલીસે રીક્ષામાં ચેકિંગ કરતાં અંદરથી દારૂની 49 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા અંગે પૂછતાં કડીના શક્તિસિંહ (રહે-સુરજગામ) પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે 16,383ની કિંમતનો દારૂ અને 50 હજારની કિંમતની રીક્ષા મળીને 71,383 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ત્રણે સામે ગુનો નોંધ્યો છે.