સુરતમાં ઉનાળામાં ચંપલ વગર ફરતાં લોકોને ફ્રીમાં ચંપલ આપી ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ

કોરોનાની મહામારી અને ઉપરથી ઉનાળાનો બળબળતો તાપ. 37 થી 40 ડીગ્રી તાપમાનમાં ભરબપોરે ભાગ્યે જ કોઈ કામ વગર બહાર જવાનો વિચાર પણ કરે. પણ શું તમે ક્યારેક વિચાર્યું છે કે આવી સીઝનમાં પણ રસ્તા અને ફૂટપાથ પર રહેતા, માંગીને પેટ ભરતા ગરીબ પરિવારો અને તેમના બાળકો બપોર કેવી રીતે કાઢતા હશે? આવા પરિવારો પાસે કપડાં તો ઠીક બુટ ચપ્પલ પણ હોતા નથી. તેવામાં રસ્તે રખડતા આવા લોકો અને નાના બાળકોને તડકામાં ફરવાથી પગ દાઝે છે અને કેટલીક વાર પગની ચામડી બળી જવાથી કે ખરાબ થઈ જવાની પણ ફરિયાદ ઉઠે છે. ત્યારે સુરતમાં હેપ્પી ફિટ, મુસ્કુરાતે કદમ નામની સંસ્થા ચલાવતા યુવાનોએ આ ગરીબ બાળકો અને લોકોને ફ્રીમાં ચપ્પલ આપીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો ઉમદા પ્રયાસ હાથ ધર્યો છે.
અસહ્ય ગરમીમાં અનેક લોકો વગર ચપ્પલ દેખાય છે, જેથી તેઓને પગમાં ચપ્પલ મળે અને વગર ચપ્પલ થતા પગના રોગો ન થાય તે હેતુથી વિવેક દોડીયા દ્વારા તેમના મિત્ર રાજુ, અમિત, રાહુલ, અનિલ, ગૌરવ વગેરે સાથે મળીને હેપ્પી ફિટ, મુસ્કુરાતે કદમ ગ્રૂપ બનાવીને સુરત શહેર તેમજ ગામડાઓમાં 3 વર્ષથી લઈને તમામ ઉંમરના સ્ત્રી પુરુષ માટે 5 મે થી ફ્રીમાં ચપ્પલ વહેંચવાનું શરૂ કર્યું હતું. સુરતના સચિન, અલથાણ, કામરેજ, અડાજણ, પાલ, રાંદેર, પાંડેસરા , પર્વત પાટિયા, વરાછા સહિતના વિસ્તરીમાં અત્યારસુધી 2000 કરતા વધુ જોડીનું ચપ્પલ વહેંચણીનું કાર્ય કર્યું છે અને હજી પણ 5 હજાર જોડી ચપ્પલ વહેંચવાનો નીર્ધાર છે.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા (સુરત)