ઝૂમને ઝૂમ કરીને જોઈએ
૨૦૧૧માં એરિક યુઆન દ્વારા સ્થાપિત, ઝૂમ વપરાશકર્તાઓને ઓડિઓ, વિડિઓ અને ચેટ દ્વારા એકબીજા સાથે વર્ચ્યુઅલ રીતે સંપર્ક કરવાની સવલત આપે છે. આજે આ વાંચનારાઓ જરૂર ક્યારેક ને ક્યારેક ઝૂમ એપ્લિકેશન વાપરી ચુક્યા હશે એટલે વધુ લખતો નથી. આપણે એની સફર વિષે જાણીએ.
ઇતિહાસ
એરિક યુઆન જે મૂળ ચીનનો હતો એને ખાતરી હતી કે ઇન્ટરનેટ જ હવે ભવિષ્ય છે એણે નેવુંના દાયકાના મધ્યમાં યુ.એસ. સ્થળાંતર કરવાનું નક્કી કર્યું. યુ.એસ. વિઝા માટેની તેમની અરજી આઠ વખત નામંજૂર થઈ હતી, પરંતુ તેણે હાર માની ન હતી. તેની વિઝા અરજી આખરે મંજૂર ન થાય ત્યાં સુધી તેણે ફરીથી અરજી કરવાનું ચાલુ રાખ્યું – તેની નવમી પ્રયાસમાં અરજી મંજુર થઇ અને ૧૯૯૭માં એ આખરે યુ.એસ. પહોંચ્યો. ત્યાં એણે વિડિઓ અને વેબ કોન્ફરન્સીન્ગ કંપની વેબેક્સમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાયો. ૨૦૦૭ માં, વેબેક્સને સિસ્કો દ્વારા ૨૩.૨ અબજ ડોલરમાં હસ્તગત કરાયું અને યુઆન ઝડપથી સિસ્કોમાં એન્જિનિયરિંગના વાઇસ પ્રેસિડેન્ટ બન્યો. ૨૦૧૧માં એને ઝૂમની સ્થાપના કરી.
બિઝનેસ મોડેલ
ઝૂમ ફ્રીમિયમ બિઝનેસ મોડેલનું અનુસરણ કરી રહ્યું છે , જેમાં તે શરૂઆતમાં વપરાશકર્તાઓને નિ:શુલ્ક મર્યાદિત સેવાઓ પૂરી પડે છે અને પછી તેમને અપગ્રેડ કરેલી સેવાઓના બદલામાં ચૂકવણી કરનારા સબ્સ્ક્રાઇબર્સમાં ફેરવી દે છે. પ્રમાણભૂત નિ:શુલ્ક ઓફરિંગમાં વધારાની સુવિધાઓ સાથે પ્રીમિયમ સંસ્કરણ દ્વારા આવક ઉત્પન્ન કરવામાં આવે છે. એમાં એક હોસ્ટ હોય છે જે ઝૂમ મિટિંગની શરૂઆત કરે છે અને બીજા વપરાશકર્તાઓને આમંત્રણ આપે છે. વ્યક્તિ કે કંપની તેના ગ્રાહક બની શકે છે. એમની સફળતાનં બીજું કારણ એ પણ છે કે એમણે ઘણા બિઝનેસ અને શૈક્ષણિક સંસ્થાઓને તેમના ગ્રાહક બનાવી દીધા. આ ગ્રાહકો દ્વારા યોજવામાં આવતી મીટિંગ્સમાં જોડાવા બધા સદસ્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ ફરજીયાત ઝૂમ એપ ઇન્સ્ટાલ્લ કરવી જ પડે અને આમ કંપનીનો વ્યાપ વધતો જ ગયો.
કોવિડ-૧૯ અને સફળતા
કોવિડ-૧૯ રોગચાળા દરમ્યાન વર્ક ફ્રોમ હોમ અને સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ નવું ધોરણ બની ગયું છે એવા સમયે ઝૂમ ક્વાટર્ર-૨, ૨૦૨૦ માં ૩૭.૮ અબજ ડાઉનલોડ્સ સાથે વૈશ્વિક સ્તરે સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લિકેશન હતી. મોબાઇલ માર્કેટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સેન્સર ટાવરના ક્વાટર્ર-૨, ૨૦૨૦ના ડેટા ડાયજેસ્ટ મુજબ, ઝૂમના એપલ એપ સ્ટોર ડાઉનલોડ્સ ૨૨.૬% વધીને ૯.૧ અબજ થઈ ગયા હતા જ્યારે ગૂગલ પ્લે સ્ટોર ૩૪.૯% ની વૃદ્ધિ સાથે ૨૮.૭ અબજ થયા છે. વિશ્લેષકો મુજબ ઝૂમની અચાનક વૃદ્ધિ કોવિડ-૧૯ રોગચાળાને આભારી છે જેણે વિશ્વભરના લાખો લોકોને ઘરેથી કામ કરતી વખતે વિડિઓ કોન્ફરન્સિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવા અથવા કુટુંબ અથવા મિત્રો સાથે જોડાયેલા રહેવા પ્રેરણા આપી હતી. સેન્સર ટાવરના એક વરિષ્ઠ મોબાઇલ વિશ્લેષકના જણાવ્યા અનુસાર, “વિશ્વભરમાં, યુ.એસ. અને યુરોપમાં એક ક્વાર્ટરમાં ડાઉનલોડ થયેલી ઝૂમ ટોચની એપ્લિકેશન હતી. એક ક્વાર્ટરમાં ૩૦૦ મિલિયન ઇન્સ્ટોલ સુધી પહોંચવાની ટિક્ટોક અને પોકેમોન પછી તે માત્ર ત્રીજી એપ્લિકેશન હતી.
પડકારો
આ બધી સફળતાની વચ્ચે ઝૂમ એપ ઉપર ઘણા પ્રશ્નો પણ ઉઠ્યા. તે કેવી રીતે વપરાશકર્તાઓની ગોપનીયતા અને સલામતીનું સંચાલન કરે છે તેના વિષે તપાસ પણ થઇ. ઘણીવાર બિનામંત્રીત મહેમાનો પણ જોડાય જાય છે એવી ફરિયાદો પણ ઉઠી છે. ઘણીવાર વર્ચુઅલ ઘુસણખોરોએ મિટિંગ કોડનો અંદાજ લગાવીને ધાર્મિક સમારોહ, દૂરસ્થ વર્ગો અને અન્ય ઝૂમ મેળાવડામાં વિક્ષેપ પાડીને ઝૂમની શિથિલ સુરક્ષા વિશે ચેતવણીઓ આપી હતી. આવી ઘટનાઓ ઝૂમ્બોમ્બીંગ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે, જર્મનીમાં ઇઝરાઇલી દૂતાવાસે યોજાયેલ એક હોલોકોસ્ટ સ્મારક પર હિટલર અને સેમેટીક વિરોધી સૂત્રો સાથે વર્ચ્યુઅલ ઘૂસણખોરોએ હુમલો કર્યો હતો. કેટલાક કિસ્સાઓમાં, અશ્લીલ છબીઓ પ્રદર્શિત થઈ જતી રિપોર્ટ થઇ છે. ભારત દેશમાં લોકડાઉનની શરૂઆતમાં જયારે ઝૂમ એપે જોર પકડવાનું શરુ કર્યું ત્યારે ચીન સાથે ચાલતી તંગદિલી વચ્ચે એ ચાઇનીસ એપ છે એમ કરીને ઘણો વિરોધ નોંધાયો હતો અને ઘણા વપરાશકર્તાઓએ તેને અનઇન્ટોલ પણ કરી દીધી હતી. આ ઉપરાંત બીજા ઘણા સ્પર્ધકો જેમ કે ગુગલ મીટ, જોઈન મી, વેબેક્સ, ગો ટુ મિટિંગ, ફેસટાઈમ વગેરે દ્વારા રોજિંદા પડકારો તો સામે છે જ.
આગળ શું?
તેના પ્લેટફોર્મમાં ગોપનીયતા અને સલામતીના અભાવ વિશે ભારે આલોચનાનો સામનો કર્યા પછી, યુઆને માફી માંગી અને કહ્યું કે ઝૂમની ગોપનીયતા અને સલામતીના મુદ્દાઓ પર ધ્યાન આપવું એ તેમની આગળની પ્રાથમિકતા હશે. તેણે કહ્યું હતું કે કંપની તેની વિડિઓ કોન્ફરન્સિંગ એપ્લિકેશનની સુરક્ષા સુધારવા માટે પગલાં લઈ રહી છે. હાલમાં જ્યાં સુધી ન્યુ નોર્મલ જ્યાં સુધી ઓલ્ડ નોર્મલ નહીં થાય ત્યાં સુધી તો ઝૂમ નું ભાવિ ઉજળુંજ છે પરંતુ એવું ચોક્કસ કહી શકાય કે કોવિડ-૧૯ના ગયા પછી પણ દુનિયા હાયબ્રીડ મોડ પર જ ચાલશે. ભાગ ૪૭ -મેનેજમેન્ટ મેજિક