સગીરા પર દુષ્કર્મ ગુજારનારા પ્રેમીને 10 વર્ષની સજા ફટકારતી પોક્સો કોર્ટ

વિનોદ અશોકભાઈ પટણી તેની સગીર વયની પ્રેમિકાને લગ્નની લાલચ આપી 12 મી જાન્યુઆરી 2019 ના રોજ અસારવા સિવિલ વિસ્તારમાંથી અપહરણ કરી સુરત મુકામે લઈ ગયો હતો. જ્યાં તેણે સગીર પ્રેમિકા સાથે કુકર્મ આચર્યું હતું. બાદમાં ફરિયાદી તેમની દીકરીને સુરત ખાતેથી 7 મી ફેબ્રુઆરી 2019 નાં રોજ ઘરે પરત લઈ આવ્યા હતા. ત્યારે સગીરાની ઉમર 17 વર્ષ અને 5 મહિના ની હતી. અને તેને 10 અઠવાડિયાનો ગર્ભ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું.
પ્રેમી વિનોદ દંતાણી ફરીવાર આવું કૃત્ય કરે નહીં તે માટે ફરિયાદી ગાંધીનગર ખાતે તેમની મોટી દીકરીના ઘરે સગીર દીકરીને મૂકી ગયા હતા. તેમ છતાં 11 મી ફેબ્રુઆરી 2019 નાં રોજ પ્રેમી વિનોદ ગાંધીનગરનાં સેકટર-7 પોલીસ મથકની હદમાંથી સગીર પ્રેમિકાને ફરીવાર લલચાવી ફોસલાવી અપહરણ કરીને ફરાર થઇ ગયો હતો. અને ફરી વાર સગીર પ્રેમિકા સાથે કુકર્મ આચર્યું હતું. જે અંગે સ્થાનિક પોલીસ મથકમાં વિનોદ દંતાણી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જે કેસ ગાંધીનગરની પોકશો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સુનિલ પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી પોકસો જજ અને અધિક મેજિસ્ટ્રેટ કે એમ સોજીત્રાએ વિનોદ દંતાણી ને પોકસો એક્ટના ગુનામાં તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખત કેદની સજા તેમજ પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.