પ્રવર્તમાન સમયમાં ઓનલાઇન શિક્ષણની આવશ્યક્તા અને તેની મર્યાદાઓ

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે પ્રત્યક્ષ શિક્ષણ બંધ થયુ છે ત્યારે ઓનલાઇન શિક્ષણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા ઊભી થઈ છે. વિશ્વનાં સૌથી વિકસીત દેશો એ ઓનલાઇન શિક્ષણ ને નકારી દીધું છે ત્યારે આપણે ઓનલાઇન શિક્ષણ મેળવવાની ફરજ પડી છે. કોરોનાની ભયંકર પરિસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ મેળવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે માર્ચ ૨૦૨૦ થી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે. તેમાં વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર માંડ બે ત્રણ મહિના સુધી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયુ હતુ ત્યાં કોરોનાની બીજી લહેર આવવાને કારણે ફરથી નિશાળો બંધ કરવાની નોબત આવી પડી છે.
હવે શાળાઓ રાબેતા મુજબ ક્યારે શરૂ થશે તે નક્કી કરવુ મુશ્કેલ છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ મેળવવું અનિવાર્ય બની જાય છે. વિદ્યાર્થીઓ સરળતાથી ઓનલાઇન એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે તે માટે શિક્ષણ વિભાગ કટિબદ્ધ છે. તેથી જ બાયસેગ પ્રસારણનાં માધ્યમથી અને માઇક્રોસોફ્ટ ટીમનાં માધ્યમથી તેમજ વિવિધ માધ્યમો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ઓનલાઇન શિક્ષણની કેટલીક મર્યાદાઓ છે. ઘણા વાલીઓ એવા છે જેની પાસે સ્માર્ટ ફોન, કમ્પ્યુટર કે ટીવીની વ્યવસ્થા નથી આથી તેમનાં બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે.
દૂર અંતરિયાળ ગામડાઓમાં નેટવર્કની સમસ્યાઓ વધારે છે. તેથી ઓનલાઇન શિક્ષણ મેળવવામાં મૂશ્કેલીઓ ઉભી થાય છે. આ ઉપરાંત ઓનલાઇન ભણાવતાં હોઈએ ત્યારે શિક્ષણમાં કૃત્રિમતા આવી જવાને કારણે શિક્ષણ રસ હિન બની જાય છે. તેમજ ઓનલાઇન ક્લાસમાં જ્ઞાનના આદાન પ્રદાનની પ્રક્રિયાને વિષેશ વેગ મળતો નથી આથી વિદ્યાર્થીઓ સ્વછંદી બનીને ઓનલાઇન કલાસને મીનીમાઇઝ કરીને ગેમ રમવા કે અન્ય પ્રવૃત્તિ કરવા લાગી જતા હોય છે. છતાંપણ ઓનલાઇન શિક્ષણની કેટલીક મર્યાદાઓને નજઅંદાજ કરીને વર્તમાન સમયમાં ઓનલાઇન શિક્ષણ મેળવવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.
લેખક : ડૉ. દિલીપભાઇ મકવાણા
(M.A.,M.Ed.,M.Phil.,Ph.D.)
શિક્ષક, શ્રી માધ્યમિક શાળા – આલીદર